સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી, સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા: સંતો-મહંતોની લાગણીને માન આપી કરણીસેનાએ આંદોલન 3 દી’ મોકૂફ રાખ્યું
સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. જોકે આ વિવાદનો હવે બે દિવસમાં સુખદ અંત આવે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી નિર્દેશ મળી રહ્યા છે. એટલે શું હવે ઘીના ઠામમાં ઘી પડી જશે?
સાળંગપુરમાં જે વિવાદાસ્પદ ભીંતચિત્રો લગાવવામાં આવ્યા હતા તે અંગે છેલ્લા એક સપ્તાહથી સનાતન ધર્મમાં માનતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક લોકોએ તો વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કુહાડીના ઘા પણ માર્યા હતા અને કાળા કલરનો પીછડો પણ ફેરવી દીધો હતો.
આજે કરણીસેનાના આગેવાનો અને કરણી સૈનિકો સાળંગપુર જઇને ઉગ્ર આંદોલન કરવાના હતા ત્યારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુ તેમજ 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુએ એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મના લોકોને સંદેશો પાઠવ્યો હતો કે, સાળંગપુરમાં લગાવાયેલા વિવાદાસ્પદ ભીંતચિત્રો અંગે જે આંદોલન શરૂ થયા છે, ત્યારે આ મુદ્દે સંબંધિત લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો સાથે હકારાત્મક વાતચીત થઇ છે અને બે કે ત્રણ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે, અને જે ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે તે દૂર કરી દેવામાં આવશે.
વિવાદાસ્પદ ભીંતચિત્રો સંદર્ભે આંદોલન શરૂ થયા તેની વચ્ચે સંપ્રદાયના કેટલાક સ્વામીઓએ ભીંતચિત્રો હટશે નહીં અને જે કોઇને પેટમાં દુખતું હોય તેઓને કોર્ટમાં જવા સલાહ આપવામાં આવી હતી. આથી સનાતનીઓમાં વધુ રોષ ભભૂક્યો હતો અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી ત્યારે ઇન્દ્રભારતીબાપુ અને મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુના પ્રયાસથી સુલેહનો સેતુ રચાયો છે ત્યારે મોટાભાગની સંસ્થા અને કરણીસેનાએ હાલ 3 દિવસ સુધી આંદોલન મોકૂફ રાખવાની પણ જાહેરાત કરી છે.
નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે: ડો.વલ્લભદાસજી સ્વામી
સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે. સમસ્ત સ્વામિનારાયણ સપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે, આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવો સૌ સંતોએ એક સૂરમાં કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સંતો- સત્સંગના અગ્રણીઓ સાથે આજે અમૌએ સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાધન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય લેશે.
એકાદ બે દિવસમાં જ ભીંતચિત્રો હટી જશે: ઇન્દ્રભારતીબાપુ
પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત મુદ્દે સંબંધિત વ્યક્તિઓ અને સંતો સાથે ચર્ચા વિચારણા થઇ ચૂકી છે. અને એકાદ બે દિવસમાં જ ભીંતચિત્રો હટી જશે અને સમગ્ર મામલે સારાંવાનાં થઇ જશે.