સ્વામિનારાયણ સંપ્રદાયના પુરાણી ગોપીનાથદાસજી સ્વામીની અક્ષરવાસ શતાબ્દી નિમિત્તે ભાવભીના ધાર્મિક આયોજનો
સ્વામીનારાયણ ગુરુકુળના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી જેમની નિશ્રામાં સંત દીક્ષા લીધેલ તેવા પુરાણી ગોપીનાથદાસજી સ્વામીની અક્ષરવાસ શતાબ્દી સ્વામીનારાયણ ગુરુકુળ પરિવાર દ્વારા ઉજવાશે.
વેડ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ સુરતમાં આ નિમિત્તે ત્રિદિવસીય કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વકતાપદે વિદ્વાન શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપદાસજી તથા શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી બિરાજી કથામૃતનું રસપાન કરાવશે.
પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર અમરેલી જિલ્લાના વાંકીયા ગામે જન્મેલા ગોપીનાથદાસજી સ્વામીએ વડતાલના આચાર્ય ભગવતપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લીધેલ. સાત વર્ષ સુધી સંસ્કૃત અભ્યાસ કરેલ એ દરમ્યાન ભગવાન સ્વામીનારાયણનામળેલાઅદ્ભૂતાનંદ સ્વામીની રાત્રે ચરણ સેવા કરતા આખી રાત વીતી ગઈ. બિમાર અદ્ભૂતાનંદ સ્વામી સવારે પાંચ વાગ્યે જાગ્યા તો ગોપીનાથદાસજીને સેવા કરતા હતા. સંત અદ્ભૂતાનંદ સ્વામીએ બેઠા થઈ ગોપીનાથ સ્વામીના માથે બે હાથ મૂકી દીધા અને આશિર્વાદ વરસાવતા કહ્યું પુરાણી તું વિદ્યામાં પારંગત થઈશ. વિદ્વાનોમાં તારૂ સ્થાન આગળ રહેશે. સંપ્રદાયની સેવાનો તું યશભાગી થઈશ. ભગવાન તને અંતકાળે અગાઉ દર્શન દઈને ધામમાં તેડી જશે !!
સેવા દ્વારા મળેલ રાજીપાને પ્રતાપે સારા વિદ્વાન થયા. સને ૧૯૦૮માં કાશીમાં વિદ્વાનોએ જાહેર કર્યું કે સ્વામીનારાયણ સંપ્રદાય અવૈદિક છે. ત્યારે તે સામે શાસ્ત્રર્થ કરવા વડતાલના તત્કાલિન આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજ તથા અમદાવાદના વાસુદેવપ્રસાદજી મહારાજ ગોપીનાથ પુરાણી સ્વામી આદિ વિદ્વાન સંતોને કાશી શાસ્ત્રાર્થમાં મોકલ્યા. ત્રણસો વિદ્વાનોની સભામાં આ સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વૈદિક છે.
શાસ્ત્રની રીતે સાબીત કરી આપ્યું. જેને ત્યાંથી વિદ્વતસભાએ સંપ્રદાયને વૈદિકતાથી માન્યતા આપી. વિદ્વાન હોવા છતાં ગૌશાળાની સેવા સત્સંગ પ્રવર્તન, કથાવાર્તા સાથે છાણા થાપવા આદિની સેવા કરતા રહ્યાં છેવટે સને ૧૯૧૮માં કડકડીયા રોગમાં સપડાયેલ સંતોની સેવા કરતા પોતે જ થાકને લીધે માંદા થતાં સંવત ૧૯૭૪ની ધનતેરશની મોડી રાત્રીને ચૌદશની વહેલી સવારે ગોંડલ મુકામે ભગવાન સ્વામીનારાયણ દિવ્ય સ્વરૂપે તેડવા પધારતા અક્ષરધામ સીધાવેલ. આ સંતના આજે સતાબ્દી અવસરે દિવાળીની પૂર્વ સંધ્યાના દિવસો ધનતેરસ-ચૌદશને દિવાળી આમ ત્રણ દિવસ કથા પારાયણનું આયોજન વેડ રોડ-સુરત સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે કરાયું છે. બપોરે ૩-૩૦ થી ૬-૩૦ને રાત્રે આરતી સ્તુતિ બાદ ૮-૩૦ થી ૧૦-૩૦ કથા થશે. પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી આશિર્વાદ પાઠવશે.