“જયદેવ માંગરોળના સમુદ્ર તટ નાળીયેરીના ઝુંડ અને તેના કુદરતી સૌંદર્યને પોતાની ફરજ સાથે જ માણતો
માંગરોળનો સમુદ્ર તટ
ફોજદાર જયદેવનો અનાયાસે જ માંગરોળ પોલીસ સ્ટેશનનો નિમણુંક હુકમ થઈ ગયો. માંગરોળ દેશની આઝાદી પહેલા નવાબી રાજય હતુ અને દરીયાકાંઠાનું તે સમયનું અગત્યનું બંદર પણ હતુ. પરંતુ હાલમાં તો તે ફકત માછીમારીનું અને નાના વહાણો બનાવતું બંદર રહ્યું છે. માંગરોળ તાલુકો પણ સોરઠના લીલીનાઘેર વિસ્તાર પૈકી નો જ હતો તો અમુક વિસ્તારમાંથી પસાર થઈ ને ભાદર નદી દરીયાને મળતી હોય.
ચોમાસાની ઋતુમાં ભાદરના પૂરના પાણી દરીયામાં ભરતીને કારણે પાછા જમીન ઉપર રેલાઈ ને ફરી વળતા હોય આ વિસ્તારને ઘેડ પંથક પણ કહે છે. માંગરોળની ઉત્તર દિશાએ પોરબંદરનું માધવપુર પોલીસ સ્ટેશન પૂર્વે કુતીયાણા અને કેશોદ તથા દક્ષિણે માળીયા હાટીના અને ચોરવાડની સરહદો મળતી હતી. પશ્ચિમ દિશાએ અફાટ અરબી સમુદ્રનો તટ પ્રદેશ હતો. માંગરોળ તાલુકાનું બીજુ એક નાનુ શીલ પોલીસ સ્ટેશન પણ હતુ. તાલુકાની ખેતી વાડી પણ સમૃધ્ધ હતી. મગફળી નાળીયેર અને અમુક ગામોતો નાગરવેલના પાન પણ પકવતા હતા.
મુસાફર માટે તો બીજુ શું હોય ? જયદેવ માટે તો વિશ્રામગૃહો જ રૈન બસેરા હતા. માંગરોળનું વિશ્રામ ગૃહ જુનુ નવાબના સમયનું હતુ તેના વહીવટદાર ભૂરાભાઈએ જયદેવને ઘણા રૂમો પૈકી એક નાનો એસી ‚રૂમ ફાળવ્યો અને કહ્યું કે જો એસીરૂમ ન જોઈતો હોય તો બીજા માળે જૂના સમયનો હવાખાવાનો નોન એસી રૂમ ખાલી છે. તેમાં બીજી બધી સુવિધા છે. ચોમાસુ ઉતરીને શિયાળો બેસવાની તૈયારી હતી આસો મહિનો દિવાળીના દિવસો આવી રહ્યા હતા.
તેથી જયદેવે કહ્યું ચાલો તે રૂમ પણ જોઈ લઈએ. તે રૂમ બીજા માળે એકલો જ હતો રૂમને ફરતે અગાસી જ હતી રૂમની ચારેય દિવાલો ઉપર પુષ્કળ બારીઓ બારીઓ જ હતી આ તમામ બારીઓ ખોલો એટલે કે જાણે નાળીયેરીના ઉપવનમાં બેઠા હોય તેવા સુંદર દ્રશ્યો ઝુલતી ઝુકતી નાળીયેરીઓ, ઉડાઉડ થતા પક્ષીઓનાહે કલરવ ગુંજતો હતો, જયદેવે તુર્તજ કહ્યું આજ રાખીદો. આ રૂમમાં રાત્રીનો નજારો પણ અદ્ભૂત હતો, રૂમની લાઈટો બંધ કરીને પથારીમાં સુતા સુતા જ ફરતી નાળીયેરીઓ ઉપર પડતા પ્રકાશથી સુંદર દ્રશ્યો સર્જાતા હતા. જયદેવને તો જાણે પોતે હોલીડે ગાળવા આવ્યો હોય તેવું લાગતુ હતુ.
ઐતિહાસીક માંગરોળ વિશે જયદેવને પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલ કોર્ટના કર્મચારી અને લોએજ ગામના રહીશ નારસંગજી રવુભા વિગતે વાત કરીકે આઝાદી પછી માંગરોળ નવાબ ના એક પુત્ર મહમદ અલી શેખ ભારતીય સેનામાં ઉચ્ચ અધિકારી હતા. ભારત પાકિસ્તાન યુધ્ધ દરમ્યાન તેમણે વિરતા પૂર્વક લડીને પશ્ચિમ પાકિસ્તાનનું એક અગત્યનું રડાર અને ભૂગર્ભ એરપોર્ટ જે અમેરિકાએ ખાસ બનાવી આપેલું તેનો પોતે સશસ્ત્ર દારૂગોળો સાથે ઘસી જઈ આત્મઘાતી હુમલો કરી પોતાની કુરબાની આપી તે એરપોર્ટ તથા રડાર બંનેનો ખાત્મો બોલાવી દીધેલો અને પોતે ત્યાંજ શહીદ થઈ ગયેલા આ શહીદ વિર મેજર મહમદ અલી શેખના નામે માંગરોળ શહેરમાં બજારમાંજ મોટો ટાવર બનાવવામા આવેલ છે. તથા રસ્તાને મહમદઅલી રોડ આપેલ છે.
આ કોર્ટ કર્મચારીને સાથે લઈને જ આ ટાવર ચોક જોયો તથા તેઓ માંગરોળને અડી ને જ આવેલા લોએજ ગામે સ્વામીનારાયણ મંદિર જોવા પણ લઈ ગયા અને જણાવ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ તો ઉત્તર પ્રદેશના અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામે થયેલો પરંતુ અગીયાર વર્ષની વયે જ તેમને વૈરાગ્ય આવી જતા તેઓ તપ કરવા દેશાટનમાં નીકળી પડેલા અને ફરતા ફરતા સૌરાષ્ટ્રના આ લોએજ ગામે આવી ચડેલા જયાં સંત રામાનંદ સ્વામીનો આશ્રમ આવલો હતો.
જે જોઈને તેઓ ખૂબજ પ્રભાવીત થયેલા અને જ્ઞાની રામાનંદ સ્વામીનું તેમણે ગૂરૂપદ સ્વીકારી લીધેલું આશ્રમમાં એક વાવ હતી જેનું પછી નામ મુકિતવાવ પડેલું તેના કાંઠે એક વિશાળ શિલા આવેલી હતી તેના ઉપર બેસીને સહજાનંદ સ્વામી સાધના કરતા તે પછી તો તે શિલાને પ્રસાદીની ગણીને યાત્રાળુઓ અને લોકો સ્પર્શ કરી દર્શન કરતા આઝાદી પહેલા આ શિલાનું રક્ષણનું કામ લોએજના દરબારનાગજી સગરામજી ચુડાસમા કરતા હતા.
તે સમયે એક વખત માંગરોળ નવાબ બાપુ સાહેબ ફરતા ફરતા આ શિલા પાસે આવી ચડેલા તેમણે તેમના હજુરીયાઓને આ શિલા ઉપાડી લેવા હુકમ કરેલો પરંતુ દરબાર નાગજી સગરામજી પોતાની બંદૂક લઈ ને શિલા પાસે ઉભા રહી ગયેલા અને કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી તો શિલા અહીં થી ઉપડશે નહિ આથી નવાબ બાપુ સાહેબે દરબાર નાગજીનો વાંસો થાબડીને શાબાશી આપેલી કે તમારા જેવા મરદ લોકો છે. ત્યાં સુધી ઐતિહાસીક વિરાસત ને કોઈ જોખમ કે ભય નથી. આ પ્રસાદીની શિલા હાલમાં લોએજ સ્વામીનારાયણ મદિરમાંજ ભગવાનની પ્રસાદી તરીકે રાખવામાં આવેલ છે.
માંગરોળ શહેરમાં માંગરોળથી વેરાવળ જતા રોડ ઉપર જ વડલા ચોક હતો. તે સમયે ત્યાં દરરોજ સવારમાં ખેડુતો લીલા નાળીયેરની હરરાજી કરતા અને ત્યાં જયદેવને ખાસ નવાઈ જનક એ લાગેલુ કે આ વડલા ચોકમાં માલધારીઓ અને ખેડુતો દૂધનું પણ હરરાજી કરી વેંચાણ કરતા હતા ! શહેરની વચ્ચેથી જ કોસ્ટલ હાઈવે પસાર થતો હતો અને તેના ઉપર જ વિશાળ કચેરી કંપાઉન્ડ અને તેમાં જ પોલીસ સ્ટેશન સહિત તમામ સરકારી કચેરી આવેલી હતી.
આઝાદી પહેલા કરાંચીખાતે વૈદિક પધ્ધતિએ ચાલતી શિક્ષણ સંસ્થા શારદાગ્રામ આવેલી હતી. પરંતુ ભારત પાકિસ્તાન એમ બે ભાગલા પડતા પાકિસ્તાન સરકારે લુચ્ચાઈપૂર્વક આ શારદા ગ્રામ સંસ્થાનો હિજરતીઓના નામે કબજો લઈ ખાલસા કરી નાખતા.
આ કરાંચીની શારદા ગ્રામ સંસ્થાના સંચાલક મનસુખભાઈ જોબનપુત્રા કરાંચી છોડીને ભારતમાં આવી ને આ માંગરોળના વિશાળ દરીયા કાંઠાની જગ્યામાં નવેસરથી શારદાગ્રામ સંસ્થાની સ્થાપના કરેલી અને અહી તેમણે જેમ પૌરાણીક સમયમાં ગૂરૂ શિષ્યને કુદરતી માહોલમાં શિક્ષણ આપતા તે પ્રકારનું બાંધકામ કરાવેલ વિદ્યાર્થીઓને રહેવાની જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે રમત ગમતના વિશાળ મેદાનો પુસ્તકાલય વાંચનાલય, વિદ્યાર્થીઓ માટે દુધ અને ઘી માટે વિશાળ ગૌશાળા વન ઉપવન, તળાવ અને દરીયા કાંઠે નાળીયેરીના ઝુંડો વચ્ચે આ શારદાગ્રામ સુંદર સંસ્થા વિકાસ પામી છે. હાલ આ શારદા ગ્રામ સંસ્થાનું સંચાલન દિપચંદ ગાર્ડી ટ્રસ્ટ દ્વારા થાય છે.
માંગરોળ પોલીસ માટે ત્રણ અગત્યના પ્રશ્નો તે સમયે હતા પહેલો પ્રશ્ન સલામતીનો જેમાં ત્રાસવાદીઓ આર.ડી.એક્ષ અને ઘાતક હથીયારો દરીયાઈ માર્ગે લાવીને ઠાલવી ન દે, બીજો પ્રશ્ન એક સબ જેલમાં રહેલો પોલીસ, પ્રજા અને સરકારના માથાનો દુ:ખાવો બનેલો પણ તેની શરતે રજૂ થયેલો આરોપી રણમલ રામ જેલમાંથી નાસી ન જાય અને તેની પણ સલામતી સબ જેલમાં રહે તે જોવાનો ત્રીજો પ્રશ્ન હતો લઘુમતી બહુમતી વચ્ચે કોમવાદનો અને તેમા પણ લઘુમતીમાં પણ તબલીક બીનતબલીક જુથો વચ્ચે અગાઉ લોહીયાળ જંગ ખેલાયેલા તેવા બનાવો ન બને તેની તકેદારી રાખવાનો.
જેમાં સૌ પ્રથમ દાણચોરો અને દેશદ્રોહી આતંકવાદીઓ દરીયાઈ રસ્તે ઘાતક શસ્ત્રો દેશમાં ઠાલવી ન દે તેની તકેદારી રાખવાનો હતો. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંગરોળ ઉપરાંત શારદાગ્રામ, શાપૂર, સેરીયાઝ મકતુપુર ખોડાદા વિગેરે ગામોમાં સમુદ્રનો વિશાળ તટ પ્રદેશ આવેલો હતો જે દરીયાકાંઠા કાંતો નાળીયેરી અને લીલીનાઘેર પથરાયેલી હતી તો કયાંક ઉજજડ જમીન અને જંગલ હતા.
આ દરીયાકાંઠે અગાઉ મોટા પાયે દાણચોરીઓ થયેલી એક વખત તો સ્થાનિક પોલીસે આવી મોટાપાયાની દાણચોરી પકડી પણ પાડેલી પરંતુ તેમાં બહુ મોટા માથાઓ સંડોવાયેલા હોય અને વળી અમુક દાણચોરો સ્થળ ઉપર હાથો હાથ જ પકડાઈ ગયેલા પરંતુ મોટા માથા સંડોવાયેલા હોય પકડાયેલા પૈકી અમુક આરોપીઓ પોલીસ સ્ટેશનનાં લોકઅપમાંથી જ ગુમ થઈ ગયેલા કેમકે તેમાં અન્ય એજન્સીઓ પણ સંકળાયેલી હતી એક એજન્સીના તો બહુમોટા ગજના અધિકારી આ બનાવ પછી સાવ લાપત્તા જ થઈ ગયા હતા અને ઈન્કવાયરી, ફરજ મોકૂફી વિગેરે સજાઓ સહન કરવાનો વારો તો સ્થાનિક પોલીસનોજ આવેલો !
બાબરી ધ્વંશ પછી દેશમાં ખાસ કરીને મુંબઈ મોટા પાયે તોફાનો થયેલા જેમાં મુંબઈમાં ભયંકર સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયેલા આ બોમ્બ ધડાકામાં જે સ્ફોટક પદાર્થ આર.ડી.એક્ષ (રીસર્ચ ડેવલોપ એકસ્પલોજીવ) વપરાયેલો તે આ માંગરોળના પડોશી પોલીસ સ્ટેશન માધવપૂરના ગોસાબારાના દરીયા કાંઠે ઉતર્યો હતો. તેવું તપાસમાં ખૂલેલુને તે અંગે ગુન્હાઓ પણ નોંધાયેલા હતા.
આથી જુદી જુદી ઈન્ટેલીજન્સ એજન્સીઓ દ્વારા એવી બાતમી આપવામાં આવતી કે ગુજરાતમાં આતંકવાદીઓ લેન્ડીંગ કરવાના છે. તે બાતમી ગુજરાતની સીઆઈડી આઈ.બી. દ્વારા રાજયમાં દરીયાકાંઠો ધરાવતા તમામ પોલીસ સ્ટેશનોને આ બાતમી અંગે સતર્ક કરી સાવચેતી રૂપે દરીયાકાંઠે પેટ્રોલીંગ અને નાકા બંધી માટે તૂર્ત જ હુકમો થઈ જતા.
આથી દરીયાકાંઠો ધરાવતા પોલીસ સ્ટેશનનાં ફોજદારો દ્વારા નકકી થયેલા પોઈન્ટ ઉપર તાત્કાલીક પોલીસ જવાનોને ગોઠવી દઈ નાકાબંધી શરૂ કરી દેતા અને ફોજદાર પણ જીપ લઈને સંવેદનશીલ દરીયાકાંઠે પેટ્રોલીંગ શરૂ કરી દેતા. આવા સંજોગોને એટલે કે દાણચોરી થવાની સંભાવના હોય તેવા દિવસો દરમ્યાન પોલીસ એવો શબ્દ પ્રયોગ કરતી કે દરીયો ગરમ છે.
પરંતુ દાણચોરો પણ યુકિત પૂર્વક જ જયારે પોલીસ કોઈ અગત્યના વી.વી.આઈ. પી. બંદોબસ્ત કે કોઈ ધાર્મિક તહેવારોના બંદોબસ્તમાં રોકાયેલી હોય ત્યારે અને લેન્ડીંગનો સમય પણ એવો રાખતા કે પોલીસ કામમાં રોકાયેલી હોય અને રોડ કે બજારમાં ન હોય જેમ કે રોલ કોલ પરેડ કે ફરજ પૂરી થવા અને શરૂ થવા ના વચ્ચેના સમય ગળામાં કામ ઉતારી લેતા ટુંકમાં પોલીસ દળને ધ્યાનમાં રાખીને જ લેન્ડીંગ કરતા જાણે કે બીજુ કોઈ તંત્ર અસ્તિત્વ જ ન ધરાવતું હોય !આથી જયારે આવી લેન્ડીંગની ઈન્પુટ આવતી એટલે જયદેવ તુરત જ માણસોને નકકી થયેલ પોઈન્ટો અને બહુ વગોવાયે સ્થળોએ જવાનોને હથીયારો સાથે ચેકીંગ અને પેટ્રોલીંગમાં રવાના કરી દેતો અને પોતે પણ ‘જીપ લઈને નીકળી પડતો.
બાતમી મોટે ભાગે વહેલી સવાર કે સાંજ ઢળીગયા પછીના સમયની આવતી તો કયારેક મધ્ય રાત્રી ની બાતમી પણ આવતી આ ગોઠવાયેલા નાકાબંધી ઉપાડવાનો હુકમ તો ઘણો મોડો આવતો અથવા તો ઘણી વખત આવતો પણ નહિ આ બાતમી અંગેની નાકા બંધી પેટ્રોલીંગ વહેલી સવારની હોય કે રાત્રીની હોય પણ જયદેવ આ કંટાળાજનક ફરજમાં પણ કુદરતની અફાટ સુંદરતાની મોજ માણતો રાત્રીનાં સમયે કોઈ ઉંચી જગ્યા કે ઉંચીભેખડ ઉપર કે કાંઠે આવેલ રેતીના ઢુવા ઉપર બેસીને ઘુઘવતા સાગરના વિવિધ પ્રકારના અવાજોને સાંભળતો અજવાળી રાત્રે નાઈટ પેટ્રોંલીંગ હોય તો ખાસ શેરીયાજ ગામના દરીયા કાંઠે રેતીનાં પટમાં બેસીને સાગરના ઉછળતા સફેદ દુધ જેવા ફીણ વાળા મોજાઓ અને ચકરડી ભમરડી ફરતા પાણીની કુદરતની કલાને નીરખ્યા કરતો.
આકાશમાં ટમકતા તારા તથા ચંદ્રને નીરખતો સાથે દૂર ક્ષિતિજ ઉપર સાગરને મળતા આકાશનું મીલન પણ જોયા કરતો અને વિચારતો કે આ બંનેનું મીલન ચિરકાલીન અને સ્થિર છે. જયારે દરીયો કેટલો ચંચળ છે. જેમકે પોલીસ ખાતાની નોકરી ચંચળ . અને માનવની જીંદગી પણ દર ક્ષણે ફરતી જ રહે છે.
જયદેવ પોતાના જીવન વિશે વિચારતો કે પોતે કયારે સ્થિર અને શાંત જીવન જીવી શકશે? કેમકે દિવાળી અને નૂતન વર્ષના દિવસો અને તહેવારો પણ તેણે આ રીતે એકલા રહી ફરજ મય અને વિશ્રામગૃહમાં જ પસાર કરવાના હતા. તેને અંદરથી અવાજ આવતો ‘યોગ: કર્મષુ કૌશલમ્, સાધુ ચલતા ભલા’ મીલાપ હંમેશા દુષ્કર જ હોય છે. તે મીલાપ પછી કુટુંબનો હોય કે ઈશ્વરની પ્રાપ્તીનો !
કેટલીક વખત વહેલી સવારના ત્રણ વાગ્યાથી દરીયા કાંઠે નાકા બંધી રહેતી તેથી સૂર્યોદય તો સમુદ્ર તટે જ થઈ જતો ત્યારે જયદેવ ઉદય પામી રહેલ સૂર્ય અને પૂર્વ ક્ષિતિ જ માં આકાશમાં થઈ રહેલા રંગીન ફેરફારો નીરખતો, ત્યાં તટ ઉપર પક્ષીઓ ની ઉડા ઉડ અને કીલકીલાટને સાભંળતો દરીયાના પાણીમાંથી હવામાં કુદકા મારતી, ડોલ્ફીન તો પ્રથમ વખત માંગરોળના દરીયામાં જોયેલી એક વખતતો વહેલી સવારના દરીયા કાંઠે રાત્રીનાં ભરતીનાં પાણીમાં તણાઈ ને આવેલ વહેલ માછલીનું વિશાળ કંકાલ (હાડપીંજર) પણ જોવા મળેલું.
જયદેવ વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો તેથી તેણે જીવ વિજ્ઞાન વનસ્પતિ શાસ્ત્ર અને પાણી શાસ્ત્રનો પણ કોલેજમાં અભ્યાસ કરેલો તેથી તે દરીયા કાંઠે પ્રત્યક્ષ રીતે દરીયાઈ જીવો, માછલીઓ, કાચબા કરચલા, જીંગા, શંખજીવડા અને છીપજીવડાઓનો અનુભવ કરતો, અને સાથે સાથે દરીયાની લીલ અને કાંઠાનીવિવિધ વનસ્પતિઓ પણ જોતો રહેતો ટુંકમાં માંગરોળ ખાતે જયદેવ ફરજની તકલીફ અને કંટાળાને બદલે પ્રકૃતિ અને કુદરત નો રોમાંચ અને આનંદ માણતો હતો.