હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો: કાલોલના મલાવ ખાતે પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાયો કાલે રાજરાજેશ્ર્વર ધામ જાખણમાં અંતિમવીધી

પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે.   હૃદયરોગના હુમલાથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું  છે.   તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રત્ન પુરસ્કારથી સન્માનિત લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિના  મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. રાજશ્રી મુનીને યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તો વળી રાજશ્રી મુનીને પીએમમોદી સાથે ખાસ આત્મીયતા હતી.

IMG 20220830 WA0095

મહત્વનું છે કે, પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિએ લાઇફ મિશન અંતર્ગત યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે હવે રાજશ્રી મુનિની અચાનક વિદાયથી તેમના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે કાલોલના મલાવ ખાતે તેમના પાર્થિવદેહ અંતિમ દર્શન માટે મુકાશે. કાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. ભગવાન લકુલિશજી ની પાવન પરંપરાના પ્રહરી, યોગ સાધનાને જીવન ઉત્કર્ષનું  માધ્યમ બનાવનાર પૂ. રાજર્ષિ મુનિના દેહ નિર્વાણ ની ઘટનાએ લાખો અનુયાયીઓ, સાધકોને સ્તબ્ધ કરી દીધા છે. મુનિશ્રી ફકત યોગ પુરુષ જ નહિ યુગ પુરુષ હતા. અન્ય આધ્યાત્મિક વ્યક્તિત્વની જેમ પૂ. રાજર્ષિ મુનિની પણ દિવ્ય ચેતના તો સદૈવ સાથે રહીને લોકોના જીવનમાં અજવાળાં પૂરશે.

1971 થી સ્વામી ક્રીપાલવાનદજી ના આશિષથી અધ્યાત્મ ક્ષેત્રે પોતાનું જીવન સંપૂર્ણ સમર્પિત કરીને અનેક સામાન્ય લોકોને સાધક બનાવનાર પૂ. રાજર્ષિ મુનિનું જીવન અને યોગદાન હમેશા પ્રેરક રહેશે. 11 ફેબ્રુઆરી 1933ના રોજ પોરબંદર રાજ્યના કારભારી શ્રી દેવિસિંહજી જાડેજાને ત્યાં પુત્ર રૂપે સંતાનનો જન્મ થયો. તેનું નામ યશવંતસિંહ. પ્રાથમિક શિક્ષણ માતા પિતાની નિશ્રામાં થયું. શાપર સાથે પણ દેવિસિંહજીનો જૂનો સંબંધ. એ રીતે યશવંતસિંહ નો ઉછેર થયો. બાળપણથી જ એક અલગ કેડી, એક નિરપેક્ષ માનસિક અવસ્થા એમણે અનુભવી હતી.

IMG 20220830 WA0103

સ્કૂલમાં તરુણ યશવંતસિંહ ક્રિકેટ અને ટેનિસની રમતમાં પારંગત હતા. નાની વયે પણ એમનામાં ભારોભાર કરુણા હતી. શાળાકીય શિક્ષણ બાદ તેઓ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ માંથી સ્નાતક અને ડેક્કન કોલેજમાંથી પોસ્ટ ગ્રેજયુએટ થયા. 1954માં તેઓ પીએચડી કરી રહ્યા હતા ત્યારે જ સૌરાષ્ટ્ર સરકારની સેવામાં જોડાયા. 1962 સુધી કામ કર્યા બાદ કેન્દ્ર સરકારની સેવામાં જોડાયા. એ સમય દરમિયાન યોગ તરફ તેઓ આકર્ષાયા તો હતા જ. યોગ સાધક તરીકે તેમની ખ્યાતિ પણ ઘણી વધી હતી .

એક સહ સાધકે એમને સ્વામી ક્રીપાલવાનંદજી ના પુસ્તકો ભેટ આપ્યા. તે વાંચીને યશવંતસિંહ યોગ તરફ પ્રેરાયા. 1969માં તેમને મંત્રદિક્ષા મળી.  આખો પથ બદલાયો. ગુરુકૃપા ઉતરી. યશવંતસિંહ થી શરુ થયેલી યાત્રા પછી રાજર્ષિ મુનિ સુધી પહોંચી. 1971માં પંદર મહિનાની યોગ સાધના દ્વારા આ પથને વધુ મજબૂત બનાવ્યો. 11 ફેબ્રુઆરી 1971ના રોજ માલવ આશ્રમે પ્રયાણ કર્યું. ક્રીપાળવાનંદજી એ પ્રભુની આજ્ઞા વિશે એમને અવગત કર્યા.

પછી તો યોગ સાધના સાથે મેટા ફિઝિક્સ, વિજ્ઞાન, ધર્મ એવા વિવિધ વિષયો પર કામ શરૂ થયું. યોગ વિશેના સંશોધન પત્રો, ગ્રંથો એમણે આપ્યા સાથે જ સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, બહેનો સૌ કોઈ યોગ તરફ વળે એવું વાતાવરણ સર્જ્યું.  લકુલીશ ભગવાનના નામથી શરૂ થયેલી સંસ્થાના માધ્યમથી સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ક્રાંતિનો મોટો પથ એમણે કંડાર્યો.

1993માં રાજર્ષિ મુનિના જન્મદિવસે ભગવાન લકુલીશે એમને દર્શન આપ્યાં. ગુરુ – શિષ્ય વચ્ચે દીર્ઘ સંવાદ થયો. યોગ સાધના વિસ્તરી, વિકસી. સાથે જ શિક્ષણ સમાજલક્ષી કાર્યોનો વ્યાપ પણ વધ્યો. એક સંત સમાજ માટે શું કરી શકે તેનું આ સમયનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજર્ષિ મુનિ છે. દેહ સ્વરૂપે આવેલા ઈશ્વરે પણ પૃથ્વી પરથી વિદાય લેવી પડી છે. રાજર્ષિ મુનિ મહા માનવ હતા. એમને ઈશ્વરનું શરણ પ્રાપ્ત થયું છે. સદેહે તેઓ નથી તે ખોટ તો સામાન્ય માનવીને કાયમ રહેશે. પણ એમની પરમ પ્રેરક અને દિવ્ય ચેતના હમેશા માર્ગ ચિંધતી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.