છત્રીસ વર્ષનો સરકારી પગાર વિદ્યાદાનમાં આપ્યો. પોતાનાર્થે એક પૈસો પણ ન વાપરનારા હતા શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી. -દેવકૃષ્ણ સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ રાજકોટ ખાતે આજે સ્વામીશ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભા યોજાયેલી. મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં પ્રારંભે પ્રાર્થના,ધૂન કરાઈ હતી.
તેર વર્ષની ઉંમરે ધોરણ પાંચમાં ગુરુકુલમાં ભણવા આવેલા. બી.કોમ. થઈને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવામાં જોડાયા. એમના ઍંસી વર્ષમાંથી 67 વર્ષ ભણવા, ભણાવા અને સાહિત્ય સેવામાં વિતાવ્યા. ધનની લાલચાથી આખું જગત કર્મ કરે છે. પરંતુ ધન અને માનની ઝંખના વિના શ્રી લક્ષ્મીનારાયણ સ્વામીએ સ્કૂલમાં કાયદેસરની એક પણ રજા 36 વરસની સર્વિસમાં લીધી નથી. લાઈફ ટાઇમ ઓન ડ્યુટી ગીતાજીમાં કહેલ નિષ્કામ કર્મ કરતાં રહ્યા હતા. જીંદગીના છેલ્લા દિવસે પણ રાત્રે લોબીમાં જ વચનામૃત બોલતા બોલતાં જ જમીન ઉપર સૂઈ રહેલા. નંદ સંતો લિખિત ત્રણસો કીર્તનોના પદો કંઠસ્થ હતા.
પાંચઠ વર્ષની ઉંમરે ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્ય ભૂમિ અયોધ્યા છપૈયાની પેદલ યાત્રા કરેલી. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયામાં સત્સંગ વિચરણ કરી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધૂરંધર 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે વિડિયો કોન્ફરન્સ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા નુસાર શ્રી લક્ષ્મીનારાયણ સ્વામીની સ્મૃતિમાં ગુરુકુલના કોલેજ તથા 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ એક કરોડ સ્વામિનારાયણ મહામંત્રના જ્પ, 20 લાખ સ્વામિનારાયણ મંત્રલેખન, સાત લાખ સાષ્ટાંગ દંડવત પ્રણામ તથા 140 કલાક અખંડ ધૂન ઉપરાંત સદગ્રંથો અને પ્રદક્ષિણાઓ કરેલ. ગુરુકુલમાં સ્વામીજી પાસે અભ્યાસ કરીને લંડન, ઓસ્ટ્રેલીયા, અમેરિકા, જર્મની, કેનેડા તેમજ કેન્યા વગેરે દેશોમાં અભ્યાસ તથા બીઝનેસ કરતાં વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ સ્વામીશ્રીની સ્મૃતિમાં ધૂન કીર્તન તથા ગુણાનુવાદ સભાઓ કરેલ.
સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, હરિભકતો તેમજ સ્વામિનારાયણ સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, જૂનાગઢ તથા ગઢડા ટેમ્પલ બોર્ડના સભ્યો, સરધાર, જેતપુર, ફરેણી, પંચાળા, લોયા, ધંધુકા, ધાંગધ્રા, વરતાલ, હરિયાળા, છારોડી, કણભા, અમદાવાદ વગેરે ધામધામથી તેમજ ગુરુકુલોમાંથી સંતો મહંતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સહુએ લક્ષ્મીનારાયણ સ્વામીમાં રહેલ ઈશ્વરનિષ્ઠા, ગુરુનિષ્ઠા, ગુરુકુલ નિષ્ઠા, નિસ્પૃહીપણું, ભજનીક, સદાય સેવક ભાવ તેમજ ત્યાગ વૈરાગ્યાદિક ગુણોની વાત કરી હતી. શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સહુ સંતો ભક્તોને સ્વામીજીના સદગુણોની બુક આપવામાં આવેલ.