ડેન્ગ્યુ અને મેલેરિયા તાવની અટકાયત માટે ચેકિંગ ઝુંબેશ: મચ્છરની ઉત્પતિ સબબ રૂ.૧૬ હજારનો દંડ વસુલાયો
ડેન્ગ્યુ તાવ ફેલાવતા મચ્છરો ચોખ્ખા અને સ્થિર પાણીમાં જ ઉત્પન્ન થતા હોય છે. રાજકોટ શહેર ડેન્ગ્યુના રોગ માટે અતિસંવેદનશીલ છે. મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત સ્વામિનારાયણ ગુકુલ, અતુલ મોટર્સ પ્રા.લી. અને રજવાડી મેળા સહિતના સ્થળોએથી મચ્છરની ઉત્પતિ મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મચ્છરની ઉત્પતિ અટકાયત માટે આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ ઝુંબેશ અંતર્ગત મચ્છરોના લારવા અને ઉત્પતિ સબબ યુનિવર્સિટી રોડ પર અતુલ મોટર્સ પ્રા.લી. (મારૂતી સર્વિસ સ્ટેશન)ને રૂ.૩ હજાર, મોરબી રોડ પર સરદાર પાર્ક સહિતની અલગ-અલગ બાંધકામ સાઈટને રૂ.૪ હજાર, જય સરદાર રોડ પર ધી એન્ટાલન્ટીક બાંધકામ સાઈટ, કોઠારીયા રોડ પર એક બાંધકામ સાઈટને રૂ.૧૫૦૦, સ્વામીનારાયણ ગુરૂકુલના સેલર અને ટાયરમાંથી મચ્છરો મળી આવતા રૂ.૨ હજાર, ૧૫૦ ફુટ રીંગ રોડ પર રજવાડી મેળાને રૂ.૫૦૦, આનંદ બંગલા ચોકમાં આનંદ કોમ્પ્લેક્ષના સેલરમાંથી મચ્છરો મળી આવતા રૂ.૧ હજાર, સર હરીલાલ ગોરસીયા માર્ગ પર ‚દ્રપ્રયાગ એપાર્ટમેન્ટની બાંધકામ સાઈટને રૂ.૫૦૦, રૈયા રોડ પર જય બજરંગ પાઉભાજી અને ચાપડી શાકને રૂ.૧ હજાર, મવડી રોડ પર એક બાંધકામ સાઈટને રૂ.૧૦૦૦, મણીનગરમાં નિરંજન એન્જીનીયરીંગને રૂ.૧ હજાર, આમ્રપાલી ફાટક પાસે એ ટુ ઝેડ ગેરેજને રૂ.૫૦૦ સહિત કુલરૂ.૧૬૦૦૦નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ડેન્ગ્યુ તાવ ફેલાવતા મચ્છરો ચોખ્ખા અને સ્થિર પાણીમાં થાય છે. મુખ્યત્વે બાંધકામ સાઈટ પર લીફટના ખાડામાં બાંધકામ માટે ભરી રાખવામાં આવતા પાણી, સેલરમાં ભરાઈને રહેતા પાણીમાં મચ્છરોની ઉત્પતિ થાય છે. એડીશ નામના મચ્છર દિવસે જ કરડે છે અને ૧૦૦ થી ૩૦૦ મીટર સુધી ઉડી શકતા હોય છે જેના કારણે આ મચ્છર જયાં ઉત્પન્ન થાય છે ત્યાં આજુબાજુના વિસ્તારોમાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાવે છે. બાંધકામ સાઈટ પર કામ કરતા મજુર અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં કામ કરતા ધંધાર્થીઓને ડેન્ગ્યુ થવાનો ભય વધુ રહે છે.