જુનાગઢ, જેતપુર, મોરબી અને જામનગરના દર્દીઓને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
સૌરાષ્ટ્રભરમાં સિઝનલફલુના કેસમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા જહેમત બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી ત્યારે રાજકોટમાં જ ૨૪ કલાકમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે.
લોકોમાં સ્વાઈનફલુના ડરને રોકવા માટે સરકારે ડેથ રિવ્યુ કમિટીની રચના કરી છે. જેમાં સ્વાઈનફલુ હેઠળ મૃત્યુ પામતા દર્દીઓની પુરી તપાસ કરી સચોટ કારણ જણાવવામાં આવશે. સ્વાઈનફલુમાં જોવા મળતો વાયરસ એચ-૧ એન-૧ ફેફસા માટે હાનિકારક હોય પરંતુ આ સાથે એચ-૩ એન-૨ પણ અમુક કેસોમાં જોવા મળી રહ્યા છે. જે શરીરના કોઈપણ અવયવ પર સીધી ગંભીર અસર કરવા સક્ષમ જણાઈ રહ્યો છે.
રાજકોટમાં ચાલુ માસ દરમિયાન સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સૌથી વધુ પોઝીટીવ કેસો દાખલ થયા છે. જેમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત પણ નિપજયા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં જ રાજકોટમાં સિઝનલ ફલુના ૬ પોઝીટીવ કેસો નોંધાતા આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે.
વાયુવેગે વધતા સ્વાઈનફલુના વાયરસને ઘટાડવા આરોગ્યતંત્ર દ્વારા લોકોને સુચનાઓ પણ આપવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં જેતપુરના ૪૮ વર્ષીય પ્રૌઢ, મોરબીની ૩૨ વર્ષીય યુવાન, જુનાગઢના ૩૮ વર્ષીય યુવાન, જામનગરની ૨૭ વર્ષીય યુવતી, જાંબાડાના ૬૦ વર્ષીય વૃદ્ધ અને રાજકોટના ૫૨ વર્ષીય પ્રૌઢના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સિઝનલફલુને કારણે ચાલુ માસ દરમિયાન ત્રણ લોકોના મોત નિપજયા છે.
સ્વાઈનફલુના વધતા જતા કહેર સામે નેશનલ ઈન્સ્ટિટયુટ પુના દ્વારા વાયરસની જેમ ફેલાઈ રહેલા સિઝનલફલુને જોખમી રોગ કહેવામાં આવી રહ્યો છે ત્યારે ચાલુ સિઝનમાં એચ-૧ એન-૧ સાથે એચ-૩ એન-૨ના પણ લક્ષણો સામે આવતા રોગપ્રતિકારક શકિત વધુ નબળી પડતા રોગ વધુ જોખમી બની રહ્યો છે.
એચ-૧ એન-૧ ફકત ફેફસા પર અસર કરતો હોય જયારે એચ-૩ એન-૨ શરીરના કોઈપણ અવયવ પર ગંભીર અસર કરવામાં સક્ષમ હોય તેવું જણાવ્યું છે ત્યારે આરોગ્યતંત્ર દ્વારા સ્વાઈનફલુમાં કેવી-કેવી તકેદારીઓ રાખવી તે અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ગીર-સોમનાથ પંથકમાં સ્વાઈનફલુના દર્દીઓમાં ઘસારો વધુ જોવા મળી રહ્યો છે ત્યારે જેતપુર, ગોંડલ બાદ રાજકોટમાં પણ સિઝનલફલુનો પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્યતંત્ર સજજ થઈ ગયું છે. દિવસે-દિવસે જીવલેણ સ્વાઈનફલુના વધતા જતા કેસો સામે જાગૃતિ કેળવવા આરોગ્ય તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.