ગુજરાતમાંથી 75 હજાર ભાઈ-બહેનો આજથી છ દિવસ તીર્થયાત્રા થકી ગામે-ગામ ગીતાના વિચારો ગુંજતા કરશે
પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે નું 100 મું વર્ષ પૂજનીય દીદી ના માર્ગદર્શન હેઠળ તેમનો સ્વાધ્યાય પરિવાર વિશિષ્ટ રીતે મનાવી રહ્યો છે. આ વર્ષે પરમ પૂજનીય દાદાજીના જન્મદિવસ 19 મી ઓક્ટોબર-મનુષ્ય ગૌરવ દિન- નિમિત્તે ગુજરાતમાંથી આશરે 75 હજાર ભાઈ બહેનો તા. 13/10/2022 થી છ દિવસ માટે તીર્થયાત્રા કરીને દરેક જિલ્લાના કોઈ પવિત્ર ધાર્મિક સ્થળે 19/10/2022 ના રોજ તીર્થયાત્રાની પૂર્ણાહુતિ રૂપે મળશે અને ” મનુષ્ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે.
ભારતીય સંસ્કૃતિની ઋષિ પ્રણિત તીર્થયાત્રા સંસ્કૃતિ પ્રસાર નું, માનવ – માનવ વચ્ચેની ભેદ ની દીવાલો તોડીને નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ દૈવી ભાતૃભાવનો સેતુ બાંધવાનું તથા એક આચાર, એક વિચાર, એક ઉચ્ચાર અને એક ધ્યેય વાળા સમૂહ ની રચનાત્મક શક્તિ ના દર્શન નું અમોઘ માધ્યમ હતું. પરંતુ વચ્ચેના કાળમાં તીર્થયાત્રા ફક્ત ધાર્મિક પ્રવાસ અને પગપાળા સંઘ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી. ત્યારે પરમ પૂજનીય દાદાજી એ તેનો આજના કાળના સંદર્ભમાં જિર્ણોદ્ધાર કર્યો છે.
પૂજનીય દાદાજી એ તકેબદ્ધ રીતે સમજાવ્યું કે તીર્થયાત્રા એટલે તીર્થધામમાં રહેલા ભગવાનને મળવા જતાં વચ્ચે તેમના સંતાનોને એટલે કે સર્વ માનવોને નાતજાત કે ધર્મ સંપ્રદાય વિગેરનો ભેદ કર્યા વગર નિસ્વાર્થ ભાવે મળતા – મળતા જવું અને ભગવાનનો માનવ ઉપર નો પ્રેમ, ભગવાને કરેલા માનવ જીવન પરના ઉપકાર ને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરવા માટે ત્રિકાળ સંધ્યાનો સંદેશ આપતા – આપતા તીર્થસ્થાનમાં ભેગા થવું. આવી સાચી તીર્થયાત્રાઓથી જ વ્યક્તિ વિકાસ અને સમાજસ્થૈયે નિર્માણ થાય અને વૈદિક સંસ્કૃતિ પ્રસ્થાપિત થાય. સ્વાધ્યાય પરિવાર આવી તીર્થયાત્રાઓ સન 1984 થી કરતો રહેલો છે.
સ્વાધ્યાયી તીર્થયાત્રીઓ પોતાની વ્યવસ્થા જેવી કે ભાડું, ભાથુ અને કાચું સીધું પોતાની રીતે જ કરતા રહેલા છે. પોતાનું કામ પોતાની જાતે જ કરશે. મળ્યું તે ગામ કે વિસ્તાર અને મળ્યું તે ઘર તે ભગવાને જ આપ્યું છે તેમ સમજી ત્યાં રહેશે અને આજુબાજુના ઘરો અને વિસ્તારમાં દરેક ઘરે વ્યક્તિગત રૂપે જઈને મળશે અને ભગવાનના વિચારો ની આપ લે કરશે. સ્વાધ્યાયની પદ્ધતિ પ્રમાણે જે ઘરે મળવા જશે ત્યાં પ્રકાશ, પાણી અને પાથરણા નો જ ઉપયોગ કરશે.