સ્વચ્છતા એ જ સેવાના ભાગરૂપે રાજયમાં આગામી તા.16 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે, જેના ભાગરૂપે આજે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની અધ્યક્ષતામાં મીટિંગ યોજવામાં આવી હતી.
આ મીટિંગમાં ડીડીઓ દેવ ચૌધરી, નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણી સહિત કોર્પોરેશનના અધિકારીઓ, જિલ્લા પંચાયત, વેસ્ટર્ન રેલવે, રાજકોટ સિટી પોલીસ, બસ સ્ટેશન, રૂડા, પી.જી.વી.સી.એલ., નેશનલ હાઈ-વે, પી.ડી.યુ. હોસ્પિટલ, સ્ટેટ હાઈ-વે, રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટ વિગેરેના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સફાઇ અને બ્યુટીફિકેશનના આયોજનમાં લોકસહયોગ પણ મહત્વપૂર્ણ બનશે: આનંદ પટેલ
મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સુચનાથી સમગ્ર રાજ્યમાં ઝુંબેશના રૂપમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે.
વિશેષમાં મ્યુનિ. કમિશનરએ ઉમેર્યું હતું કે, શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોને પણ સ્વચ્છ બનાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ મહાનગરપાલિકા સંયુક્ત રીતે કામગીરી કરશે જેમાં રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટથી આગળ પાચ કી. મી. સુધીના રસ્તા અને વિસ્તારની પણ વ્યવસ્થિત ઢબે સફાઈનું આયોજન અમલમાં મુકાયું છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે કહ્યું હતું કે બ્યુટીફિકેશન સંબંધી કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબ પગલાં લેવામાં આવશે જેમાં ગાર્ડન તેમજ રંગરોગાન સહીતની કામગીરી આવરી લેવામાં આવશે. શહેરમાં વિવિધ જગ્યાએ પી.જી.વી.સી.એલ. ટ્રાન્સફોર્મર અને ડીપી વાળી જગ્યાએ સફાઈ માટે આયોજન કરાયેલ છે. આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ એમ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા કેમ્પેઈન અંતર્ગત આગામી બે માસમાં ઝુંબેશના રૂપમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.