પાલિકા શાસકોના યોગ્ય સફાઇના બદલે કોન્ટ્રાક્ટરોને બચાવવા ઉધામા
ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરે લિરા ઉડ્યા છે. શહેરમાં અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સફાઈ નાં અભાવે ગંદકી થી અકળાયેલા કૈલાશ કોમ્પલેક્ષ ના વેપારીઓ સફાઈ બાબતે રોડ પર ઉતર્યા હતા. સફાઈ નાં મામલે લોકોમાં રોષની લાગણી છે. નગરપાલિકા ના શાસકો યોગ્ય સફાઈ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં વ્યસ્ત છે. તેવું લોકો કહી રહ્યા છે.
શહેરમાં કચરા અને ગંદકીની સમસ્યા વધી છે. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપ્યા પછી હાલાકી વધી છે. છેલ્લા 10 દિવસથી રોડ રસ્તા સફાઈ અને કચરો ભરવા કોઈ આવતા નથી. કચરાની ગાડી આવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી. નગરપાલિકા પ્રમુખ મનીષ ચનીયારા અને વોર્ડ નંબર-6ના સદસ્ય મનીષ રૈયાણી દ્વારા સોમવારથી સફાઈ ચાલુ થશે એવી ખાતરી અપાઇ છે. સોમવારેથી રોડ સફાઈ માટે કોઈ નહીં આવે અને કચરો ભરવા માટે વાહનો નહિ આવે તો નગર પાલિકાએ ધરણાં કરવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી. બીજી બાજુ ફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. જેને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ગોધરાનાં મજુરોને કામે લગાડ્યા છે પણ ખેતમજુરી કરતા આ મજુરો સફાઈ કામમાં નિષ્ફળ નિવડ્યા છે.
ગુંદાળા પેટ્રોલ પંપ પાસે કૈલાશ કોમ્પ્લેક્સના વેપારી સફાઈ બાબતે રસ્તા પર ઉતર્યા છે. સમીર કનેરિયાએ જણાવ્યું કે અમારા કોમ્પલેક્ષમાં છેલ્લા એક અઠવાડિયાથી કોઈ સફાઈ થઈ નથી. સફાઈ અંગે અમે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત કરી છે. નગરપાલિકાએ નવો કોન્ટ્રાક્ટર બદલ્યો ત્યારથી અહીં વાળવા માટે કોઈ આવ્યું નથી. કોમ્પ્લેક્સમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો ગંદકીને કારણે પરેશાન થાય છે. આવી હાલત શહેરનાં તમામ વિસ્તાર ની છે. સોસાયટીઓમાં કચરાનાં ગંજ ખડકાયા હોય ગૃહિણીઓ પરેશાન બની છે.