- એસ.જી.સી.સી.એલ ગ્લોબલ કનેકટ મિશન અંતર્ગત જુદાજુદા દેશોમાં બિઝનેસ કરતા 84,000 બિઝનેસમેન માહિતગાર કરાયા
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસજીસીસીએલ ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત સુરતથી એક્ષ્પોર્ટ વધારવા તેમજ સ્કીલ ટ્રાન્સફોર્મેશન માટે રાજકોટના સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સાથે સમજૂતિ કરાર થયા
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એસજીસીસીએલ ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત ગુરૂવાર, તા. 7 માર્ચ, ર0ર4ના રોજ સાંજે પ:00 કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે રાજકોટના સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સાથે સુરતથી એક્ષ્પોર્ટ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમો કરવા માટે તેમજ સ્કીલ ટ્રાન્સફોર્મેશન માટે સમજૂતિ કરાર થયા હતા.
આ સમજૂતિ કરાર પર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા અને રાજકોટના સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ હસ્તાક્ષર કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સાથે જોડાયેલા સભ્યો એક્ષ્પોર્ટ કરે છે ત્યારે આ સંસ્થા સાથે જોડાયેલા નિષ્ણાંતો સુરતના ઉદ્યોગ સાહસિકો તેમજ યુવાઓને એક્ષ્પોર્ટ સંદર્ભે માર્ગદર્શન આપશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન 84 અંતર્ગત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સાથે મળીને અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ અને અમદાવાદ ખાતે પણ સમજૂતિ કરાર મુજબ કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં સુરત ઉપરાંત ગુજરાત રિજીયનના ઉદ્યોગ સાહસિકોને એક્ષ્પોર્ટ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
જેથી કરીને મિશન 84 અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત રિજીયન અને સમગ્ર દેશમાંથી 84000 કરોડનું એક્ષ્પોર્ટ કરવાનો સંકલ્પ પૂરો કરી શકાય.
ચેમ્બર ઓફ કોમર્સે મિશન 84 અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના 84,000 ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા-જુદા દેશોમાં બિઝનેસ કરતા 84,000 બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની 84 ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા-જુદા 84 દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.
મિશન 84 અંતર્ગત ભારતમાં કાર્યરત 84 દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના 84 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે 4પથી વધુ દેશોના ઓશિયલ્સ ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે મિટીંગો થઇ હતી.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સાથે થયેલા સમજૂતિ કરાર પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગ્લોબલ કનેકટ મિશન 84ના કો-ઓર્ડિનેટર સંજય પંજાબી, મિશન 84ની કોર કમિટીના સભ્ય અતુલ પાઠક અને ગ્લોબલ કનેકટ મિશન 84ના સીઈઓ પરેશ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.