રાજકોટના મુખ્ય સૂત્રધાર અને અન્ય ચાર શખ્સ સાથે મિલાપી પણું કરી રસ્તામાં કાવતરૂ રચ્યું
ટ્રક કંપનીમાં સમયસર ન પહોંચતા લેબ રિપોર્ટમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, ત્રણની ધરપકડ
સુત્રાપાડા જીએચસીએલ કંપનીએ વિદેશથી આયાત કરેલા કોલસાના જથ્થામાંથી 31 ટન બંધ ડમ્પરમાં ભરીને ટ્રક રવાના થયા બાદ ઉના પાસે ટ્રકને રોકી વિદેશી કોલસાની જગ્યાએ નબળી કવોલિટીનો કોલસો બદલાવી રૂ.7.53 લાખની છેતરપિંડી કરવા સબબ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરે ફરિયાદ કરતા આ પ્રકરણમાં પોલીસે ટ્રક ચાલક સહિત ત્રણની ધરપકડ કરી પુછપરછ ચાલુ કરી છે. રાજકોટના મુખ્ય સુત્રધારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ વિગત મુજબ સુત્રાપાડા સ્થિત જીએચસીએલ કંપની વિદેશમાંથી ઉચ્ચ ગુણવતાયુકત કોલસો આયાત કરીને પીપાવાવ પોર્ટમાં સ્ટોરેજ કરે છે.
સત્યમ ટ્રાન્સપોર્ટ મારફેતે કંપનીને જરૂર પડતા પીપાવાવ સ્ટોરેજ કરેલો કોલસો સુત્રાપાડા લાવવા માટે આ ટ્રાન્સપોર્ટ કંપનીને કામ સોપી તેના ડમ્પર ચાલક મોરબીના સંગરામભાઈ મકવાણાએ કોલસાને લોડ કરાવી ટ્રાન્સપોર્ટ ઓફિસેથી ચલણ મેળવીને કંપની અધિકૃત એજન્સી પાસે લોડ થયેલા વિદેશી કોલસાના જથ્થાને ભરીને જીએચસીએલ કંપનીમાં આવવા માટે રવાના થયો હતો. એ વખતે અગાઉથી નકકી થયા મુજબ કૌભાંડના મુખ્ય ભેજાબાજ ઈમરાન દીલાવર ખોખર (રહે.રાજકોટ)એ નૌશાદ નામના શખ્સને ટ્રક ચાલક સાથે બેસાડી આ ટ્રકને ઉના લાવી તપોવન રોડ પર ઈમ્તિયાઝ આદમભાઈ જમરોટની ભાડે રાખેલી જગ્યામાં લઈ ગયા હતા.
અગાઉ નકકી થયા મુજબ આ નબળા કોલસા ત્યા હાજર રાખેલા હતા.આ સ્થળે ઈમરાને ચાલાકીથી સીલ કાઢી લીધા હતા. અને વિદેશી કોલસો ખાલી કરીને એ કોલસાના વજન જેટલા જ ભેળસેળ યુકત નબળા કોલસાને ભરી દીધા હતા. એ પછી ભરેલા ટ્રકને વજન કરાવવા માટે કાંટે લઈ ગયા હતા. અગાઉ જે વજન હતુ એટલો જ કોલસો ભરીને અગાઉની જેમ તાલપત્રીને પેકિંગ કરી સીલ લગાવીને જીએચસીએલ કંપની તરફ ે જવા રવાના થયા હતા. આ કૌભાંડ કરવામાં સમય લાગી જતાં અને નિર્ધારિત સમય કરતા ટ્રક મોડો આવતા કંપનીના અધિકારીએ શંકા જાગી હતી. જેથી તેણે કોલસાનું સેમ્પલ લઈ લેબ ટેસ્ટ કરાવતા આ કોલસો ભેળસેળવાળો અને હલકી ગુણવત્તાવાળો હોવાનું ફલિત થયું હતુ.જેથી ટ્રકને કંપનીમાં રાખી દીધો હતો.
ટ્રકમાંથી કાઢી લીધેલો કોલસો બારોબાર વેચી માર્યો હતો. આ ઘટના અંગે સત્યમ ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર મેરગભાઈ અરજણભાઈ બારડે પોલીસમાં ફરિયાદ કરતાં સર્વેલન્સ ટીમે ટ્રક ચાલક મૂળ જોડીયા તાલુકાના ભીમકટા ગામના અને મોરબી રહેતા સંગ્રામભાઈ હકુભાઈ મકવાણા, ટ્રક માલિક ગોરધનભાઈ ભાણજીભાઈ જોશી મુળ ગોસા તા.પોરબંદર હાલ મોરબી, અને કૌભાંડ આચરવામાં જમીન આપનારા ઈમ્તીયાજ આદમભાઈ જમરોટ રહે.ઉનાને સંકંજામાં લઈ વિશેષ પૂછપરછ ચાલુ કરી છે.
આ ગુનામાં રાજકોટના ઈમરાન દીલાવર ખોખરની ,ટ્રકમાં મિકસ કરેલો કોલસો ભરાવનારા નૌશાદને પણ પકડવાની તજવીજ હાથ ધરી છે. એમ કહેવાય છે કે આ કામનો મુખ્ય સુત્રધાર ઈમરાન દીલાવર ખોખર અગાઉ પણ કોલસા કૌભાંડમાં સંડોવાયેલો હોવાથી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અગાઉ તેમના વિરૂદ્ધ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેે.