મોટર કારમાંથી દારૂ પકડાતા બરોબર રોકડી કરી લીધી ‘તી : આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને 3 જી.આર.ડી જવાનોના કારસ્તાનથી પોલીસ તંત્ર શર્મશાર બન્યાની ઘટના સામે આવી છે. જેમાં સુત્રાપાડાના પ્રાંચી હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમ્યાન એક મોટર કારમાંથી મળી આવેલ વિદેશી દારૂના જથ્થા અંગે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાના બદલે દારૂનો જથ્થો સ્થાનિક બુટલેગરને વેચી મારી રોકડી કરી લેવામાં આવી હતી. આ કારસ્તાન જિલ્લા પોલીસવડાના ધ્યાને આવતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 જી.આર.ડી જવાનો અને એક બુટલેગર સામે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 28 જૂનના રોજ કોડીનાર રોડ ઉપર પ્રાંચી નજીક રાત્રિ વાહન ચેકિંગ દરમિયાન સુત્રાપાડા પોલીસ મથકના સ્ટાફને એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામા બદલે પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરીને કાર ચાલકને જવા દીધો હતો.જે બાદ આ વિદેશી દારૂનો કેટલોક જથ્થો પ્રાંચીના સ્થાનિક બુટલેગરને વેચી મારીને રોકડી કરી લેવામાં આવી હતી.
જો કે આ બાબતની જાણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થતાં તેમને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.આખરે ઘટનાના એક સપ્તાહ બાદ 3 જુલાઈના રોજ સુત્રાપાડા પોલીસે નાટકીય રીતે પ્રાંચી જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની પાછળ છૂપાવેલ દારૂના જથ્થાની હેરફેર કરતાં જી.આર.ડી જવાનો દિનેશ સોલંકી અને વિજય કામળીયાને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ બન્નેની પૂછપરછમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવસી બારડ સહિત અન્ય એક જી.આર.ડી જવાનની સંડોવણી સામે આવી હતી. આ ચારેય જણાની ટોળકીએ કારમાંથી મળેલ દારૂનો કેટલોક જથ્થો સ્થાનિક હેમલ નામના બુટલેગરને વેચી માર્યો હોવાનું માલૂમ પડ્યું હતુ. જેથી પોલીસે બૂટલેગર હેમલની ધરપકડ કરી, જેની પૂછપરછમાં કોન્સેટબલ ભાવસી બારડનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.