ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામનાન દરીયા કિનારે સ્મશાન ઘાટ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક રેતી ચોરી થતી હતી. દરમ્યાન દોઢ માસ પૂર્વે મઘ્યરાત્રીએ એએસપી ઓમપ્રકાશ જાટે ચુનંદા સ્ટાફ સાથે વડોદરા ઝાલા ગામના દરીયા કિનારે દરોડો પાડી રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
છેલ્લા દોઢ માસમાં રૂ. 44.42 લાખની રેતી ચોરી થઇ હોવાનું સામે આવ્યું
રેતી ચોરી અંગે ખનીજ વિભાગના અધિકારીએ 16,107 મેટ્રીન ટન રેતી રૂ. 44.42 લાખની કિંમતના જથ્થાની ચોરી કર્યાની ત્રણ શખ્સોના નામ જોગ તથા તપાસમાં ખુલે તે તમામ લોકો સામે સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. વડોદરા ઝાલા ગામના દરિયા કિનારે વર્ષોથી રેતી ચોરી થતી હોય જે બંધ કરાવવા દોઢેક વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના જવાબદારોએ સંબંધિત તમામ વિભાગોને લેખીત-મૌખિક રજુઆતો કરેલ તેમ છતાં એક પણ તંત્રએ રેતી ચોરીની ગેરકાયદેસર પ્રવૃતિ બંધ ન કરાવી હોવાનો ગામના આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે.
આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તરફથી ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી પકડાયેલ સ્થળ પર સર્વેયરને મોકલી સર્વેની કામગીરી કરાવવામાં આવી હતી. જે સર્વેમાં દરિયા કિનારા નજીકમાં જ મોટા મોટા ખાડાઓ પડી ગયા હોય અને તેની માપણી કરવામાં આવતા 16,107 મેટ્રીન ટન ચોરી કરી લઇ ગયાનું સામે આવ્યું હતું.
દરોડા સમયે પકડાયેલ ટ્રેકટરના ચાલક વડોદરા ઝાલાના ઉદય પુંજા, બારડનું પોલીસ નિવેદન નોંધેલું હતું. સર્વેના રીપોર્ટ અને નિવેદનના આધારે રોયલ્ટી ઇન્સ્પેકટર વિપુલ યોગીએ ઉદય પુંજા બારડ (ટ્રેકટર ચાલક), હરેશ હમીર ઝાલા (લોડરના ડ્રાઇવર-માલીક), સુરસિંહ મનુભાઇ ઝાલા (ટ્રેકટરના ડ્રાઇવર-માલીક), સામે વડોદરા ઝાલાના ગામના દરીયા કાંઠેથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના પ્રતિબંધિત વિસ્તારમાંથી 16,107 મેટ્રીન ટન દરીયાઇ રેતી ખનીજનું ગેરકાયદેસર ખનન વહન કરી કુલ રૂ. 44,42,583 ની ખનીજ ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી છે.