ઘર કંકાસના કારણે પતિ અને દિયરે માથામાં બોથડ પદાર્થ ફટકારી મોતને ઘાટ ઉતારાયાની શંકાના દાયરામાં
જામકંડોરણા તાલુકાના સોળવદર ગામની પરપ્રાંતિય પરિણીતાનો માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં વાડીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. બીજી તરફ મૃતકને તેના પતિ અથવા દિયરે ઘર કંકાસના કારણે માથામાં બોથર્ડ પદાર્થ મારી હત્યા કર્યાની શંકા સાથે તપાસ હાથધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્ય પ્રદેશની વતની અને સોળવદર ગામે ખેત મજુરી અર્થે આવેલી ધલકીબાઇ કિશનભાઇ નામની 50 વર્ષની ભીલ મહિલાની સંજયભાઇ મનસુખભાઇ દેત્રોજાની વાડીમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ હોવાની પોલીસને જાણ થતા જામકંડોરણા પી.એસ.આઇ. આર.એલ.ગોહિલ અને રાઇટર મનજીભાઇ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ધલકીબેન ભીલની હત્યા કરાયાનું જણાતા પ્રથમ જામકંડોરણા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ધલકીબેન ભીલનું મોત કંઇ રીતે થયું છે તે અંગેની વિગતો બહાર આવશે તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
ધલકીબેન ભીલના માથામાં બોથર્ડ પર્દાથ લાગ્યો હોવાનું પ્રાથમિક જણાતા તેની હત્યા થયાની અને પતિ અથવા દિયરે ઘર કંકાસના કારણે માથામાં બોથર્ડ પર્દાથ મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાની શંકા સાથે મૃતકના પતિ અને દિયરની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.