- મુળીના ખંપાળીયા ગામની સીમમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકની હત્યામાં જેલમાં હતો: બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ
મુળી તાલુકાના ખંપાળીયા ગામની સીમમાં અંદાજે સાત મહિના પહેલા થયેલ યુવકની હત્યાના ત્રણ આરોપીઓ પૈકી એક આધેડ આરોપીનું સુરેન્દ્રનગર સબજેલમાં શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે આરોપીના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડી મોતનું સાચું કારણ જાણવાની તજવીજ હાથધરવામાં આવી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળીના ખંપાળીયા ગામની સીમમાં ગત મે મહિનામાં પત્નિ સાથે આડા સબંધનું મનદુ:ખ રાખી ત્રણ જેટલા શખ્સોએ એક સંપ થઈ લોખંડના પાઈપ અને ધારીયા ઘા ઝીંકી યુવક મહેશભાઈ બાવળીયા ઉ.વ.32 વાળાની હત્યા નીપજાવી હતી જે મામલે મુળી પોલીસ મથકે હત્યા નીપજાવનાર પુત્ર જેન્તીભાઈ ઉર્ફે ભુયડી ભાવુભાઈ બાવળીયા, પિતા ભાવુભાઈ મોહનભાઈ બાવળીયા અને ગોપાલભાઈ જગાભાઈ બાવળીયા તમામ રહે.ખંપાળીયા તા.મુળીવાળા સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને હત્યા નીપજાવનાર આરોપીઓને સુરેન્દ્રનગર સબજેલ હવાલે કરાયા હતા જે પૈકી સબજેલમાં બપોરના સમયે અચાનક આરોપી ભાવુભાઈ મોહનભાઈ બાવળીયાને શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા જેલર સ્ટાફ સહિતના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને આરોપીના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોપીના મોત પાછળનું સાચું કારણ પીએમ રીપોર્ટ બાદ જ માલુમ પડશે પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ બીમારીના કારણે આરોપીનું જેલમાં મોત નીપજ્યું હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે.