ચારિત્ર્યની શંકાના કારણે પતિ ત્રાસ દેતો અને હત્યા કર્યાની મૃતકના પિતા દ્વારા આક્ષેપ
ચોટીલાની પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે. અમદાવાદ રહેતા મૃતકના પિતાએ ગળુ દાબી તેણીના પતિએ હત્યા કર્યાના આક્ષેપ કરતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના હરિધામ સોસાયટીમાં રહેતી ભાનુબેન કિરણભાઇ ફફલ નામની 36 વર્ષની પરિણીતાને બેભાન હાલતમાં ચોટીલા હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવતા તેણીનું મોત નીપજ્યું હતુ. મૃતકના અમદાવાદ રહેતા પિતા ભીમજીભાઇ જીવાભાઇ ભાટીયાએ ભાનુબેન ફફલનું તેણીના પતિ કિરણભાઇ ફફલે હત્યા કર્યાના આક્ષેપ કરતા ચોટીલા પીએસઆઇ એમ.બી.જાડેજા સહિતના સ્ટાફે ભાનુબેનના મૃતદેહનું રાજકોટ મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
ભાનુબેનના આઠેક વર્ષ પહેલાં લગ્ન થયા છે તેઓ જામનગર પંથકમાં પતિ કિરણભાઇ સાથે રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન એક પુત્રીની પ્રાપ્તી થઇ છે.ત્રણેક માસ પહેલાં ભાનુબેન ફફલ પોતાના પતિ કિરણભાઇ સાથે ચોટીલા રહેવા આવ્યા હતા. ભાનુબેનને હૃદયના વાલની બીમારી હોવાથી જામનગર અને અમદાવાદ ખાતે સારવાર ચાલતી હતી. પતિ કિરણભાઇ ફફલ પોતાની પત્ની ભાનુબેનના ચારિત્ર્ય અંગે શંકા કરી અવાર નવાર માર મારતો અને ત્રાસ દેતો હોવાથી બે વખત રિસામણે અમદાવાદ પિયર જતી રહી હતી. પરિવારજનો દ્વારા કિરણ ફફલ સાથે સમાધાન કરાવી પરત સાસરે મોકલવામાં આવતી હોવાનું તેમજ અગાઉ ભાનુબેન ફફલનું ગળુ દાબી હત્યાનો પ્રયાસ કર્યાનું મૃતક ભાનુબેનના પિતા ભીમજીભાઇ ભાટીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.