જામનગર રોડ પર આવેલા શેઠનગર સામે ઝુંપડપટ્ટીમાં એક સપ્તાહે પૂર્વે દેવીપુજક સમાજના બે જૂથ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણ દરમિયાન વિફરેલા ટોળાને વિખૂટા પાડવા પહોંચેલા પોલીસ સ્ટાફ પર પથ્થરમારો થયાની ઘટના અંગે રાજકોટ અને જામનગરના 21 શખ્સો સામે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો હતો. આ હુમલા દરમિયાન એક યુવકને પાડોશી બે શખ્સોએ ગુદામાં લાકડુ ઘુસાડી દીધા બાદ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં અટકાવ્યાની અને ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું આજે શંકાસ્પદ રીતે મોત નિપજતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે મૃતદેહોનો ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથધરી છે.
રાતે ઉંઘી રહેલા યુવકના ગુદામાં પાડોશી બે શખ્સે લાકડુ ઘુસાડી દેતા એક સપ્તાહ પૂર્વે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવારથી વંચિત રખાતા મોત
બે જુથ વચ્ચે ચાલતા ઝઘડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતા પી.આઇ. વસાવા ઘવાયા’તા: પોલીસે મૃતકના પિતા સહિત 21 સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મૂળ જામનગરના વતની અને છેલ્લા કેટલાક સમયથી જામનગર રોડ પર શેઠનગર સામેની ઝુંપડપટ્ટીમાં સાસુની સાથે રહેતા દેવા કરમશીભાઇ વાજેલીયા નામના 30 વર્ષના દેવીપુજક યુવક ગત તા.9મી ઓક્ટોબરે રાતે પોતાના ઝુંપડામાં સુતો હતો ત્યારે તેનું પેન્ટ નિકળી જતાં પાડોશમાં રહેતા નિર્મળ અને સુનિલ નામના શખ્સોએ દેવા વાજેલીયાને ગુદામાં લાકડું ઘુસાડી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આથી નિર્મળ અને સુનિલ નામના શખ્સોએ દેવા વાજેલીયાને લાકડાથી માર પણ માર્યો હતો. આથી તેનું ઉપરાણું લઇ જામનગરથી કરમશીભાઇ વાજેલીયા પોતાના સગ્ગા-સંબંધીઓ સાથે શેઠનગરની ઝુંપડપટ્ટીમાં ઘસી આવ્યા હતા. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હુમલો થયાની પોલીસને કોઇએ જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વસાવા સહિતના સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસને જોઇ બંને જૂથ એક થઇ પોલીસ પર પથ્થરમારો હુમલો કર્યો હતો. જેમાં હોમગાર્ડ મુકેશ રામસિંઘ મક્કા અને પી.આઇ. વસાવા ઘવાયા હતા. પોલીસ તપાસ દરમિયાન તે સમયે ઇક્કો કાર નીચે બકરીનું બચ્ચું કચડાઇ જતાં ઝઘડો થયો હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે બંને જૂથના 21 શખ્સોની ધરપકડ કરી હતી.
ગુદામાં લાકડુ ઘુસાડી દેવાની વાત દેવા વાજેલીયાના પરિવાર દ્વારા છૂપાવવામાં આવી હતી. જ્યારે બીજી તરફ નિર્મળ અને સુનિલે પણ દેવાને સારવાર માટે દાખલ થતો અટકાવ્યો હતો. દરમિયાન ગઇકાલે દેવા વાજેલીયાને દુ:ખાવો વધુ થતાં સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા ત્યારે ઉપરોક્ત સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. લાંબો સમય સુધી સારવારથી વંચિત થયેલા દેવા કરમશી વાજેલીયાનું શંકાસ્પદ રીતે મોત નિપજતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાંતો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.