રીબડા રેલવે સ્ટેશનથી ત્રણ કિ.મી.દૂર ગત તા. 28ના એક યુવતી ટ્રેનની ઠોકરે ચડી હતી, ચાલકે ટ્રેન રોકી યુવતીને તેમાં બેસાડી રીબડા રેલવે સ્ટેશને પહોંચાડી હતી. રીબડા રેલવે પોલીસે જાણ કરતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો અને ઘવાયેલી યુવતીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આઠ દિવસથી સિવિલમાં બિનવારસી હાલતમાં સારવાર લઇ રહેલી યુવતીની શહેરના સાંઇબાબા ચેરિટેબલ ટ્રસ્ટના રૂપલબેન દર્શિતભાઇ પટેલ અને હેત્વીબેન પ્રિતેશભાઇ પટેલ તેની સંભાળ લઇ રહ્યા છે.
યુવતીના જણાવ્યા અનુસાર, ગત તા.28ના પોતે લીલી સાજડિયાળી ગામેથી ચાલીને હાઇવે પર આવી હતી ત્યારે એક રિક્ષાચાલકે તેને રિક્ષામાં બેસાડી હતી અને કલાકો સુધી રિક્ષામાં ફેરવ્યા બાદ રીબડા નજીક રેલવે સ્ટેશન પાસે લઇ ગયો હતો અને ત્યાં ટ્રેનના ડબ્બામાં બેસાડી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મંગળવારે યુવતીના પિતાને શોધી કાઢી હોસ્પિટલે બોલાવ્યા હતા અને પિતા-પુત્રીનું મિલન કરાવ્યું હતું. યુવતીના તબીબી રિપોર્ટ બાદ બધું સ્પષ્ટ થશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે.