તેલમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ બ્રાન્ડના સીંગતેલના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સંતકબીર રોડ, જૂના માર્કેટીંગ યાર્ડ, દેવપરા સહિતના વિસ્તારોમાંથી સીંગતેલના નમૂના લેવાયા
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ફૂડ શાખા દ્વારા શહેરના સંતકબીર રોડ પર ગઢીયાનગર-3માં ડી.કે. ટ્રેડર્સમાંથી ગાયત્રી પ્યોર ગ્રાઉન્ડનટ ઓઇલ (સીંગતેલ) અને જીલમીલ બ્રાન્ડ પ્યોર ગ્રાઉન્ડનટ ઓઇલ (સીંગતેલ)ના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે જૂના માર્કેટીંગ યાર્ડમાં શ્રી ગોવર્ધન ટ્રેડીંગમાંથી સરસ્વતી ગ્રાઉન્ડનટ ઓઇલ (સીંગતેલ) અને શ્રી રામ માર્કેટીંગમાંથી જયશ્રી ડબલ ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ (સીંગતેલ)ના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે દેવપરામાં ભગત શાકમાર્કેટમાં આવેલી શુભમ એન્ટરપ્રાઇઝમાંથી વિશ્વસ ડબલ ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ (સીંગતેલ)નો નમૂનો લેવાયો હતો. જાગનાથ પ્લોટમાં કેપિટલ માર્કેટમાં આવેલી રામકૃષ્ણ ડેરી ફાર્મમાંથી લૂઝ મિક્સ દૂધ અને ભીલવાસમાં નકલંક દુગ્ધાલયમાંથી મિક્સ દૂધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
સાંઝા ચુલ્હા ચાઇનીઝ ફૂડ અને નોન સ્ટોપ પાણીપુરીમાંથી પકડાયો વાસી ખોરાક
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે ઓસ્કાર બિલ્ડીંગમાં આવેલા સાંઝા ચુલ્હા ચાઇનીઝ ફૂડમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નુડલ્સનો ત્રણ કિલો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરી દેવામાં આવ્યો છે અને પેઢીને ફૂડ લાયસન્સ અને હાઇજેનીંગ ક્ધડીશન સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. અંબિકા ટાઉનશીપ સિટી ક્લાસીક બિલ્ડીંગમાં નોન સ્ટોપ પાણીપુરીમાંથી સડેલા બાફેલા પાંચ કિલો બટેકાનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. પીડીએમ કોલેજ સામે અને ગોંડલ રોડ વિસ્તારમાં ખાણીપીણીની 17 દુકાનો ચેકીંગ હાથ ધરાયું હતું. 17 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી અને 13 આસામીઓને લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.