જામનગર તા. ૪: ગુજરાતની ભાજપ સરકારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિક્ષણમાં લોકોને રાહત મળે તેવી લોલીપોપ સમાન ફી અધિનિયમન કાયદાનું મોટાપાયે ડીંડક ચલાવ્યું હતું. પણ આ કાયદાનો ગુજરાતી અનેક શાળાઓએ ઉલાળીયો કરી દીધો હોય તેમ જોહુકમી ચલાવીને મનસ્વીપણે ખૂબ જ ઉંચી ફી વસુલ કરે છે. ફી નિયંત્રણ અધિનિયમની અમલવારીમાં સરકારની ગોળ-ગોળ નીતિ અને બેધારી નીતિરીતિ સામે જામનગર શહેર યુવક કોંગ્રેસ તથા એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવા આજે જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજી આવેદનપત્ર સુપરત કર્યું હતું અને જો સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો વધુ ઉગ્ર આંદોલનોની ચીમકી આપી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કાયદામાં સરકારે પ્રાથમિકમાં ૧૫૦૦૦, માધ્યમિકમાં ૨૫૦૦૦ અને ઉચ્ચત્તર માધ્યમિક ૩૦૦૦૦ની ફી નક્કી કરી છે. પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકારે આ કાયદાને ગોટે ચડાવવાનું કામ કર્યું છે.

જામનગરની અનેક (અંદાજે ચાલીસ શાળાઓ) ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ ગઈ જ નથી. આ શાળાઓ સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાનું ખોટું અર્થઘટન કરી રહી છે. આથી શાળાઓને માત્ર નોટીસો આપી સરકાર અને સરકાર રચિત કમિટી હાથ ખંખેરી રહી છે.

જે શાળાઓ એફઆરસીમાં ગઈ છે, તેમણે પોતાની હાલની ફી કરતાં પણ વધુ ફી મંજૂર કરાવી લીધી છે. આમ સરકારે ફી નિયંત્રણ અધિનિયમના ઓઠા હેઠળ પ્રજાને ઉંધા ચશ્મા પહેરાવી છેતરી છે. જે શાળાઓએ એફઆરસીમાં વિગતો રજૂ કરી નથી કે, ફી વધારો માંગ્યો નથી કે મંજૂર કરાવ્યો નથી તેવી શાળાઓ વિરૃદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ વધુ ફી લેનાર શાળાઓ સામે પગલાં લેવા માંગણી કરાઈ છે.

જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમતભાઈ ખવાની આગેવાની હેઠળ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, શહેર યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શક્તિસિંહ જેઠવા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ તથા યુવક કોંગ્રેસના ગુજરાત પ્રમુખ રાજપૂત તેમજ અગ્રણીઓ અસલમ ખીલજી, આનંદ રાઠોડ, સહારાબેન મકવાણા વગેરે તાળાબંધીના કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં.

તાળાબંધી: કાર્યકરો આગેવાનોની અટકાયત

જિલ્લા શિક્ષણાધિકાર કચેરીને તાળાબંધીના આંદોલનાત્મક કાર્યક્રમમાં યુવા કોંગ્રેસ તથા એનએસયુઆઈના હોદ્દેદારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતાં. ન્યુદિગ્વિજયસિંહજી સ્કૂલમાં ચાલતી શિક્ષણાધિકારી કચેરીના મુખ્ય દરવાજા પાસે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. આ કાર્યક્રમ સમયે બંદોબસ્ત જાળવવા પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. તાળાબંધીના કાર્યક્રમ અન્વયે પોલીસે પચ્ચીસ જેટલા આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.