- એસીબીએ ટ્વીન સ્ટાર કોમ્પ્લેક્સની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનુ પકડી પાડ્યું
અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ એક ડઝનથી વધુ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 7થી વધુ સરકારી બાબુઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મનપાના તત્કાલીન ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ અગાઉ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યા બાદ બોગસ મિનિટ બુક બનાવવા મામલે વધુ રક ગુનો નોંધવામાં આવ્યો હતો. સાગઠીયા પાસે આવક કરતા 410% વધુ મિલ્કત હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. જયારે ટીપીઓ સાગઠીયાના ભાઈના નામે રજીસ્ટર્ડ ટ્વીન સ્ટાર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં કાળી કમાણીના અઢળક પુરાવાઓ મળી આવવાની શક્યતા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓફિસ સીલ મારવામાં આવી હતી. જે બાદ હવે એસીબીની ટીમે આ ઓફિસના સર્ચ હાથ ધરતા બે નંબરી વહીવટ કરી સાગઠીયાએ એકત્ર કરેલી કાળી કમાણીનો ભંડાર મળી આવ્યો છે. આ વૈભવી ઓફિસમાંથી એસીબીને 5 કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ એમ ડી સાગઠીયા વિરુદ્ધ એસીબી દ્વારા આવક કરતા 410% વધુ સંપત્તિનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે તપાસ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ એમ એમ માલીવાલને સોંપવામાં આવી હતી. તપાસમાં એસીબી પીઆઈ માલીવાલની અધ્યક્ષતામાં ગત રાત્રે આશરે 11 વાગ્યાં આસપાસ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર કોમ્પ્લેક્ષના નોર્થ બ્લોકના નવમાં માળે 901 નંબરની ઓફિસ કે જે સાગઠીયાના ભાઈના નામે રજીસ્ટર્ડ છે અને આ ઓફિસનું કુલમુખત્યારનામું ટીપીઓ સાગઠીયાના નામે બોલે છે ત્યાં એસીબીની ટીમ ત્રાટકી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાત્રીના અગિયાર વાગ્યાં આસપાસ અંદાજિત 20 અધિકારી-કર્મચારીઓની ટીમ સર્ચમાં જોડાઈ હતી. સર્ચ દરમિયાન ઓફિસની અંદરથી એક સ્ટ્રોંગ રૂમ મળી આવ્યો હતો. જેમાં મસમોટું લોકર ધ્યાને આવ્યું હતું. આ લોકર ખોલતાની સાથે જ અધિકારીઓના પગ તળેથી પણ જમીન ખસી ગઈ હતી. લોકરમાંથી રૂ. 5 કરોડની રોકડ અને અંદાજિત 15 કિલો સોનુ મળી આવ્યું હતું.
આ ઉપરાંત એસીબીની ટીમને અનેક દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા છે. જેના આધારે સાગઠીયાએ તેના કાર્યકાળ દરમિયાન બે નંબરી વહીવટ થકી વસાવેલી અપ્રમાણસર મિલ્કતની અનેક કડી મળવાની પ્રબળ શક્યતાઓ છે. ઉલ્લેખનીય બાબત છે કે, સર્ચ ઑપરેશન અંદાજિત 12 કલાક સુધી ચાલ્યું હતું અને એકથી વધુ લોકરની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે કે, જે લોકરમાંથી ધનના ભંડાર મળ્યા છે તે લોકરનો જ વજન 450 કિલો જેટલો છે.
ગત રાતથી સર્ચ હાથ ધરતા કાળી કમાણી મામલે મોટા ઘટસ્ફોટ થયાં
એસીબીની ટીમે ગત રાત્રીના આશરે 11 વાગ્યાંથી સર્ચ હાથ ધર્યું હતું. સર્ચમાં રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનુ તો મળી જ આવ્યું હતું પણ તેની સાથોસાથ અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ મળી આવ્યા છે. જે દસ્તાવેજી પુરાવાના આધારે સાગઠીયાએ કાળી કમાણીથી વસાવેલી અપ્રમાણસર મિલ્કત મામલે મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ છે.
દસ્તાવેજી પુરાવાઓ કબ્જે કર્યા બાદ અન્ય સ્થળો પર પણ સર્ચ?
સાગઠીયાની ઓફિસમાંથી દસ્તાવેજી પુરાવાઓ કબ્જે કર્યા બાદ એસીબીની વિવિધ ટીમો અલગ અલગ સ્થળો પર જવા રવાના થઇ હોય તેવી માહિતી સૂત્રો આપી રહ્યા છે. દસ્તાવેજી પુરાવામાં જે મિલ્કતના કાગળો મળી આવ્યા હોય તે મિલ્કતની તપાસ માટે એસીબીની ટીમો રવાના થઇ હોય તેવી પ્રબળ શક્યતા છે..
જપ્ત થયેલું વધુ એક કોમ્પ્યુટર કાળી કમાણીના ’ચિઠ્ઠા’ ખોલશે?
એસીબીની ટીમ દ્વારા રોકડ, સોનુ, દસ્તાવેજી પુરાવાની સાથે સાગઠીયાની ઓફિસમાંથી વધુ એક કોમ્પ્યુટર પણ જપ્ત કર્યું છે. હવે જે કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું છે તેમાં કાળી કમાણીના રેકોર્ડ સાચવવામાં આવ્યા હોય તેવો ગણગણાટ પોલીસ બેડામાં થઇ રહ્યો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, એસીબીને આ કોમ્પ્યુટરમાં તમામ હિસાબો મળી આવે તેવી શક્યતા છે.