ધ્રાંગધ્રાના કોંઢનો દારૂ, લીંબડીમાં જુગાર અને વિંછીયાના દારૂ પ્રકરણમાં બે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કરાયા સસ્પેન્ડ
ધ્રાંગધ્રાંના કોંઢ ખાતેથી પકડાયેલ દારૂ ચુડા બાયપાસ પાસેથી ઘોડી પાસાની જુગાર કલબ અને વિંછીયાના નાનામાત્રા ગામના દારૂ પ્રકરણમાં બે એએસઆઈ, હેડ કોન્સ. અને કોન્સ. ફરજમાં બેદરકારી સબબ રેન્જ આઈજી સંદીપસિંહે સસ્પેન્ડ કર્યા છે.
તાજેતરમાં જ કોંઢ ગામના રાજભા હનુભા ઝાલાની વાડીમાંથી રૂ.૩ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો આરઆરસેલે ઝડપી લીધો હતો. જયારે લીંબડી નજીક ચુડા બાયપાસ પાસે ભોગાવો નદીના કાંઠે હકા કાના જોગરાણાના ઘોડી-પાસાના જુગાર પર દરોડો પાડી રૂ.૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામની સીમમાંથી મનુ ધાધલની વાડીમાંથી રૂ.૪.૮૧ લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થો ઝડપાયો હતો.
દારૂ અને જુગાર પ્રકરણમાં સ્થાનિક પોલીસની બેદરકારી દાખવતા ધ્રાંગધ્રા તાલુકાના હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા, લીંબડીના એએસઆઈ ધીરૂભાઈ ગફુરભાઈ ચીહલા, લીંબડીના કુલદિપસિંહ સામતસિંહ ગોહિલ અને વિંછીયાના એ.એસ.આઈ છનાભાઈ મુળજીભાઈ થુલેટીયાને સસ્પેન્ડ કરી તેઓની સંડોવણી અંગે ખાતાકીય તપાસ શરૂ કરાવી છે.