- કોર્પોરેટર વિરુદ્ધ અલગ-અલગ ખંડણીના ગુન્હાઓ નોંધાયા
- મોટા વરાછા વિસ્તારમાં તેમના વિરદ્ધ બે ખંડણીના કેસ નોંધાયા
સુરતમાં સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે ઉત્રાણ પોલીસ મથકમાં અલગ અલગ ખંડણીના ગુના નોંધાયા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને કોર્પોરેટર રાજેશ મોરડીયાને પાસા હેઠળ મહેસાણા જેલમાં ખસેડવામાં આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં તેમના વિરદ્ધ બે અલગ-અલગ ખંડણીના કેસ નોંધાયા હતા.
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા અને ભાજપમાં જોડાવા માગતા મોરડિયાને પાસા હેઠળ મહેસાણા જેલમાં મોકલવામાં આવ્યા છે. મોટા વરાછા વિસ્તારમાં બે અલગ-અલગ ખંડણીના કેસ નોંધાયા છે. પહેલા કેસમાં રોનક કુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન તેમના ટેમ્પરરી સ્ટ્રક્ચરને તોડી પાડવાની ધમકી આપી મોરડિયા અને તેમના સાથીએ 7 લાખની માગણી કરી હતી. ના પાડતાં ફરિયાદીનું ગળું દબાવી, ચપ્પુની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આરોપ હતા.
રાજેશ મોરડીયાએ અને પંકજ તેમની પાસે આવ્યા હતા. જયાં રાજેશ મોરડીયાએ હું એસએમસીમાં ચાલુ કોર્પોરેટર છું. પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ તેમ કહીને રૂપિયા 7 લાખની માંગણી કરી હતી. પરંતુ રોનક કુમારે સાત લાખ રૂપિયાની આપવાની ના પાડતા પંકજ અને રાજેશે ભેગા મળી રોનક કુમારનું ગળું દબાવી દીધું હતું અને પંકજ પોતાની પાસેનો ચપ્પુ ગાડી રોનક કુમારને ડરાવી ધમકાવી તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ પડાવી લીધા હતા. જેથી પોલીસે રોનકકુમાર પટેલની ફરિયાદ ને આધારે બંને સામે ખંડણીના ગુનો દાખલ કર્યા છે.
બીજા કેસમાં હિરેન ખેનીએ ફરિયાદ નોંધાવી હતી. તેમની જમીન સુધી પાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા ડામર રોડનું કામ મોરડિયાએ અટકાવી દીધું હતું. ઓગસ્ટથી સપ્ટેમ્બર 2023 દરમિયાન તેમની પાસેથી 50,000 રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. બંને ફરિયાદ બાદ ઉત્રાણ પોલીસે મોરડિયાની ધરપકડ કરી હતી. હાલમાં તેમને પાસા હેઠળ મહેસાણા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીમાં આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવ્યા બાદ રાજેશ મોરડીયા કોર્પોરેટર બન્યો હતો. જોકે ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં તેમના વિરુદ્ધ અલગ અલગ જગ્યા ઉપર પૈસા માંગવાની અઢળક ફરિયાદો આમ આદમી પાર્ટીને મળી હતી. જેથી જે તે સમયે પાર્ટી દ્વારા તેને આ મામલે સમજાવાનો પ્રયાસ પણ કરાયો હતો પરંતું તેણે પોતાના ઉઘરાણા ચાલુ રાખ્યા: હતા. આ દરમિયાન રાજેશ મોરડીયા ને ભાજપમાંથી ઓફર મળતા તેણે પક્ષ પલટો કરવાનું વિચાર્યું હતું. જો કે આ વાતની જાણ આમ આદમી પાર્ટીને થઈ જતા એપ્રિલ 2023માં આમ આદમી પાર્ટી દ્વારા રાજેશ મોરડિયાને પાર્ટીમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્યારબાદ ભાજપ એ પણ તેને સ્વીકાર્યો ન હતો. જેથી હાલમાં તે નગરસેવક છે પરંતુ આમ આદમી પાર્ટી કે ભાજપ બેમાંથી કોઈ પણ પક્ષના જોડાયેલો નથી.
વર્ષ 2023માં આમ આદમી પાર્ટીમાંથી કેટલાક નગરસેવકો દ્વારા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. આ સમયે રાજેશ મોરડીયાનું પણ તેમાં નામ સામે આવ્યું હતું. જેમાં તેમના ભાઈ સાથેના અને પત્ની સાથેના ઓડિયો રેર્કોડિંગ વાયરલ થઈ ગયા હતા. જેમાં રાજેશે તેના ભાઈને જણાવ્યું હતું કે ભાજપમાંથી રૂપિયા 50 લાખની ઓફર મળે છે ત્યારે તેના ભાઈએ રૂપિયા 50 લાખમાં કઈ ન થાય. તું રૂપિયા બે કરોડની માંગણી કર અને આગામી ચૂંટણીમાં પણ ટિકિટની માંગણી કર તે પ્રકારનું ઓડિયો રેર્કોડિંગ ભાઈ સાથેનો વાયરલ થયું હતું. એટલું જ નહીં પરંતુ તેની પત્ની સાથેનો પણ ઓડિયો રેર્કોડિંગ વાયરલ થયું હતું. જેમાં પણ ભાજપમાં જોડાવાના 50 લાખ રૂપિયા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઓડિયો રેકોડિંગ વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય