રાજકોટમાં જુદા-જુદા બે વિસ્તારમાં પરિણીતા પર સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ૧૫૦ ફૂટ રોડ પર અયોધ્યા ચોકમાં રહેતા અને નર્સ તરીકે ફરજ બજાવતી પરિણીતા પર પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પટ્ટા વડે બેફામ માર માર્યો હતો. તો અન્ય ફરિયાદમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા પક્ષ વિરુદ્ધ ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતા પર અસહ્ય ત્રાસ ગુજારતા પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અયોધ્યાચોક પાસેના રાધાપાર્કમાં પિતાના ઘરે રહેતી કાજલ પોપટે (ઉ.વ.૩૨) મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિવેદિતાનગરમાં રહેતા તેના પતિ કિસનકુમાર પોપટનું નામ આપ્યું હતું. કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ટંકારાના મિતાણા આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરે છે, તેના લગ્ન અઢી વર્ષ પહેલા કિશન સાથે થયા હતા, કાજલબેન નોકરી પર જતા ત્યારે તેનો પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરી પટ્ટાથી બેફામ માર મારી, પિયરમાં કાજલબેનના નામનું મકાન હોય તે મકાન વેંચી દેવા દબાણ કરતો હતો અને મકાન વેંચવાની ના કહે તો મારકૂટ કરતો હતો. જેથી કાજલબેને પતિ કિશનના ત્રાસથી કંટાળીને આખરે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તો વધુ એક ફરિયાદમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતી અને બી.એડ સુધીનો અભ્યાસ કરેલી પરિણીતા શ્વેતાબેન હેપીભાઈ ખીરસરિયાએ પતિ હેપી અને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શ્વેતાબેન ખીરસરિયાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ પતિ હેપી, સસરા રસિક, સાસુ આશાબેન અને નણંદ અમીબેન અવારનવાર દહેજની માંગણી કરી ત્રાસ ગુજારતા હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. મહિલા પોલીસ મથકના સ્ટાફે બંને પરિણીતાની ફરિયાદ પરથી પતિ અને સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.