સમાજના રિવાજ મુજબ, યુવકની પાસે સાસરિયા નાણાં માંગતા હતાં, નહીતર પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા’તા
અબતક-ધ્રોલ,સંજય ડાંગર: ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઇ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી હતી. જોકે, આ ઘટના આત્મહત્યા નહી, પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરીવાર યુવક પાસે નાણાંની માંગણી કરીને પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા કેરૂભાઈ ભંગડાભાઈ ડાવરની પત્ની જમકુબેન (ઉ.વ.૨૪) સાથે મનસુખભાઈ ભંડેરીની વાડીએ ખેતમજૂરી કામ કરતા હતા. મંગળવારના રાત્રિના જમકુબેને ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાહેરાત તેના પતિ કેરૂભાઈએ પોલીસમાં કરતા પીએસઆઈ ચુડાસમા સહિતનું વગેરે દોડી ગયા હતા અને લાશની તપાસણી કરતા તેમને શંકા લાગતા તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યાં તેની હત્યા થઈ હોવાનું ખૂલતા પતિ પર શંકા જતાં તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપી હતી.
પ્રેમલગ્ન બાદ સાસરિયા પક્ષના લોકો કેરૂને અવાર-નવાર પૈસાની માંગણી કરી પત્નીને અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેવાની પજવણી કરતા હતા. જેથી કેરૂએ એક લાખ રૂપિયા તો સસરા પક્ષને આપી દીધો હોવાનું પોલીસને જણાવ્યું હતું. છતાં પણ સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ ગુજારતા આખરે પતિએ કંટાળી જઈ મારી નહીં તો કોઈની નહિ તેવું કહી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.
આત્મહત્યાની થિયરી ઉચ્ચારનાર પતિ સામે પહેલાથી જ પોલીસને શંકા હતી. જમકુબેનના મૃતદેહને જોઈ પોલીસને ગળાફાંસોની થિયરી ગળે ન ઉતરતા પોલીસે તુરંત મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. જેમાં પત્ની જમકુબેનને ગળેટૂંપો આપી હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું.