જામનગરના લાલ પરિવારના જયપુર યોજાયેલા લગ્નોત્સવમાં હાજર રહેલા રાજકોટના મહિલા તબીબ કોરોના સંક્રમિતીં
અબતક, રાજકોટ
જામનગરમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના 3 કેસો મળી આવતા રાજ્યભરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરમ્યાન જામનગરના લાલ પરિવારના જયપુર ખાતે યોજાયેલા લગ્નોઉત્સવમાં હાજર રહેલા મહિલા તબીબ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓને ઓમિક્રોન વેરિએન્ટની અસર નથી એ જાણવા માટે આજે કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ થ્રૂ સંક્રમિત મહિલા દર્દીના લોહીનું સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આ અંગે વિશ્ર્વસનિય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઇકાલે શહેરમાં કોરોનાના 3 કેસો મળી આવ્યા છે. જેમાં શહેરના વોર્ડ નં.2માં શ્રોફ રોડ પર રહેતા 37 વર્ષના મહિલા ડોક્ટર જેઓ તાજેતરમાં જામનગરના લાલ પરિવાર દ્વારા જયપુર ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં સામિલ થયા હતાં. લાલ પરિવારના 8 સભ્યો કોરોનાથી સંક્રમિત થયાં છે. શહેરના આ મહિલા તબીબ હાલ હોટેલમાં ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. તેઓના સંપર્કમાં આવેલા 3 વ્યક્તિઓ હાઇરિસ્ક અને 12 વ્યક્તિ લોરિસ્ક હેઠળ છે. દરમિયાન તેઓને ઓમિક્રોન વેરિએન્ટ તો નથી ને તે જાણવા માટે આજે સવારે જીનોમ સીકવન્સી માટે બ્લડનું સેમ્પલ ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકવામાં આવ્યું છે. જેનું પરિક્ષણ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે મહિલાને કોરોનાનો ક્યો વેરિએન્ટ છે. આ ઉપરાંત ગઇકાલે શહેરમાં વધુ 2 દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં વોર્ડ નં.10માં હનુમાન મઢીમાં રહેતા 78 વર્ષના આધેડની જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે વોર્ડ નં.2માં રૈયા રોડ પર 1 આધેડ કોરોના સંક્રમિત થતા તે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ જાણવા મળી રહ્યુ છે. ગઇકાલે રાજ્યમાં કોરોનાના 70 કેસો મળી આવ્યા છે.
જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાતાં ફફડાટ
પોઝિટિવ આવેલી વ્યક્તિની પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવી હતી, તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઓમિક્રોનને લઈ તેમનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાયો હતો. મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી.