પૂર્વ પ્રેમી સહિત ત્રણ શખ્સોએ ફોન કરી દંપતીને ધમકાવ્યા: નોંધાતો ગુનો
શહેરમાં રીક્ષામાં અને ઇકોમાં બેસાડી મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચના બાતમી આપી પકડાવી દીધાની શંકાએ ગેંગના સાગરીતોએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે રીક્ષા ગેંગના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પરાપીપળીયા ગામે રહેતી નિશાબેન સોહિલભાઈ રફાઇલ નામની 25 વર્ષીય પરિણીતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે રીક્ષા અને ઇકો ગેંગના સાગરીત રતનપર રહેતા કિશન મગા વાંજા, સુરેશ અને દિનેશ સામે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
આ અંગે પરિણીતા નિશાબેનએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશન વાંજા સાથે પ્રેમ સબંધ હતો. પરંતુ કિશન પોતાના સાગરીતો દિનેશ અને સુરેશ સાથે મળીને રીક્ષા અને ઇકોમાં મુસાફરો બેસાડી તેમના ખિસ્સા હળવા કરતા હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી નિશાબેને કિશન સાથે સબંધ ટૂંકાવી નાખ્યાં હતાં.
પરંતુ ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિશન, સુરેશ અને દિનેશને દબોચી લીધા હતા. જેમાં નિશાબેને જ ક્રાઈમ બ્રાન્ચના બાતમી આપી હોવાની શંકાથી આ ત્રણેય શખ્સોએ નિશાબેન તેમજ તેના પતિ સોહિલને જુદા જુદા નમ્બરમાંથી ફોન કરતા હતા. ફોનમાં આ ત્રણેય શખ્સોએ તે પોલીસને મારી બાતમી આપી હોવાથી તને અને તારા પતિને પતાવી દેવા છે તેવી ધમકીઓ આપતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.