પૈસાની લેતી-દેતીના પ્રશ્ને પરિચીત શખ્સોએ કારમાં અપહરણ કરી ચાલુ કારે ફેંકી દેવાયાની શંકા પોલીસ દ્વારા તપાસ
શરીરે ગંભીર ઇજા સાથે મૃતદેહ મળી આવ્યો: ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ
ભાવનગર હાઇ-વે પર આવેલા મહિકા ગામના પાટીયા પાસે રાજકોટના કારખાનેદારનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકને પોતાના પરિચીત સાથે પૈસાની લેતી-દેતીના પ્રશ્ર્ને ઝઘડો થતા કારમાં અપહરણ કરીને ચાલુ કારે ફેંકી દેવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચ અને આજી ડેમ પોલીસે રહસ્યમ રીતે થયેલા મોતનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર હાઇ-વે પરના મહિકા પાસેથી મોડીરાતે અજાણ્યા યુવાનનો ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા 108ના સ્ટાફ દ્વારા લાશને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલ અને ઓળખ કાર્ડના આધારે લલીતભાઇ ગીરધરભાઇ કાકડીયાનો સંપર્ક કરાયો હતો. તેઓ પરિવાર સાથે હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતદેહ મવડી વિસ્તારમાં રોયલ પાર્કમાં રહેતા પોતાના સાળા કિશોરભાઇ ભીખાભાઇ સાવલીયાનો હોવાનું ઓળખી બતાવ્યું હતું.
વાવડી ખાતે ફાલ્કન કારખાના પાસે સબ મશીબલ પંપમાં વપરાતા સ્પાર્ટ બનાવવાનું કારખાનું ધરાવતા કિશોરભાઇ સાવલીયા ગઇકાલે સવારે કારખાને ગયા બાદ ત્યાંથી પોતાના એક્ટિવા પર ગયા બાદ તેમનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મહિકા પાસેથી મળી આવ્યો છે.
ભાવનગર રોડ પર એક હોટલ પાસે ચા પીવા કિશોરભાઇ સાવલીયા ઉભા હતા ત્યારે ત્રણ જેટલા શખ્સો સાથે ઝઘડો થતા હોટલ માલિકે ગાળો ન બોલવા અંગે ઠપકો દેતા કિશોરભાઇ સાવલીયા ત્રણ શખ્સોની સફેદ કલરની અટિકામાં બેસી ઝઘડો કરી રહ્યા હતા ત્યારે અટિકા ચાલુ થઇ હતી અને ભાવનગર તરફ જતી રહી હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
હોટલ ખાતે અટિકામાં કિશોરભાઇ સાવલીયાને લઇ જવામાં આવ્યા ત્યારે બે મિનીટ માટે લાઇટ બંધ થઇ હોવાથી સીસીટીવી ફુટેજ મળી શકયા ન હતા આમ છતાં પોલીસે હાઇ-વે પરના અન્ય સ્થળેથી સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા તેમાં અટિકા કારમાંથી કિશોરભાઇ સાવલીયાને ફેંકી દીધા બાદ કાર ભાવનગર તરફ જતી રહી હોવાના સીસીટીવી ફુટેજ મળ્યા છે.
કિશોરભાઇ સાવલીયા સાથે ઝઘડો કરતા શખ્સો તેમના પરિચીત હોવાનું અને ઉગ્ર બોલાચાલી થતા ચાલુ કારે ફેંકી દેવાના કારણે હેમરેજ થતા મોત થયું હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. બીજી તરફ બનાવ અકસ્માતનો હોવાની શંકા સાથે તપાસ કરવામાં આવી છે.