ગંભીરતા નહીં લેવાય તો ટાપુ જીવતા બોમ્બ સમાન બની રહેશે
ગુજરાતનો ૧૬૦૦ કીલોમીટર નો લાંબો દરિયા કિનારો જે અતિસંવેદનશીલ ગણવામાં આવે છે. સોનાની દાણચોરી હોય કે આરડીએકસ લેન્ડીંગ… અરબી સમુદ્ર અને એમાં સૌરાષ્ટ્રનો દરિયાઇ સીમા વિસ્તાર હંમેશા કેન્દ્રસ્થાન સ્થાને રહ્યો છે. ત્યારે પીરોટોન ટાપુ પર શંકાસ્પદ આવાગમન અને પ્રવૃતિઓ સામે આવી છે…જવાબદાર તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં આ મુદ્દો કેન્દ્ર સ્થાને રહશે.
વાત કરવામાં આવે જામનગરના પીરોટનટાપુની તો એ પીરોટનટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિ અને કુદરતી સૌંદર્યના કારણે મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. આ ટાપુ પર અનેક પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ દ્રશ્યમાન થાય છે. આ ટાપુ સૌંદર્યની સાથે-સાથે એટલો જ સંવેદનશીલ પણ ગણવામાં આવે છે. મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાતા આ ટાપુ પર માનવ વસાહત માટે પરવાનગી નથી. પરંતુ આજથી દોઢેક વર્ષ પહેલા આ ટાપુ પર એક મુંજાવર ની દફનવિધિ કરવામાં આવી હતી જેના કારણે વિવાદ સર્જાયો હતો.
જે વિસ્તારમાં માનવ વસાહત જ શક્ય નથી ત્યાં ધાર્મિક સ્થાનો પણ વિકસ્યા છે, ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ વિષય ને લઈ અનેક વખત વન વિભાગ, કલેકટર ઓફિસ, જીએમબી, મરીન પોલીસ ને અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર બધુ જાણતા હોવા છતાં અજાણ બનતા હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત તે ટાપુ પર ગેરકાયદેસર રીતે લોકોનું આવાગમન થાય છે પરંતુ સરકારી ખાતાઓ એકબીજાને ખો આપી ને પોતાની જવાબદારી થી ભાગે છે તેવું સ્પષ્ટ વિદિત થઈ રહ્યું છે.
ગુજરાત ટુરીઝમ ના પર્યટન સ્થાનોમાં જેનો સમાવેશ થાય છે તેવા પીરોટન ટાપુ પર હાલ પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરિયાઈ જીવસૃષ્ટિ અને અને દેશની સુરક્ષા ના કારણો આગળ ધરી ને તંત્રોએ અહીંયા પ્રતિબંધ રાખ્યો છે પરંતુ આ પ્રતિબંધ પાછળના કારણો કંઈક બીજા જ છે તેવું લોકોનું માનવું છે.જો તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આ ટાપુ જીવતો-જાગતો બોમ્બ બની રહેશે.