વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અહીં યૂનાઈટેડ નેશન્સ મહાસમિતિના ૭૨માં વાર્ષિક સત્રમાં હાજરી આપવા આવ્યાં છે. સોમવારે સત્ર દરમિયાન તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પને મળ્યાં હતાં. સ્વરાજ અને ઈવાન્કાએ એમની બેઠક દરમિયાન નારી સશકિતકરણ અને ઈવાન્કાની આગામી ભારત મુલાકાત વિશે ચર્ચા કરી હતી.ઈવાન્કા આવતા નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ગ્લોબલ આન્ત્રપ્રુનરશિપ સમિટ માં ભાગ લેવા આવવાનાં છે, તેઓ અમેરિકાના પ્રતિનિધિમંડળની આગેવાની લેશે. સુષમા સાથેની બેઠક બાદ ઈવાન્કાએ એમનાં ટ્વિટર પેજ પર બંનેની મુલાકાત વિશે ટ્વીટ કર્યું હતું.૨૮-૩૦ નવેમ્બર દરમિયાન હૈદરાબાદમાં જીઈએસનું આયોજન થનાર છે જેમાં ભારત અને અમેરિકા સહ-આયોજક છે. એ શિખર સંમેલનમાં દુનિયાભરના ઉભરતાં ઉદ્યોગસાહસીઓ, ઈન્વેસ્ટરો, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ હાજરી આપશે. ૩૫ વર્ષીય ઈવાન્કાએ ટ્વિટર પર સુષમા સ્વરાજ પ્રતિ આદર વ્યકત કર્યો છે અને એમને પ્રેરણાદાયી વિદેશપ્રધાન તરીકે ઓળખાવ્યાં છે. એમને મળવાનું પોતાને ગૌરવ પ્રાપ્ત થયું એવું પણ ઈવાન્કાએ વધુમાં લખ્યું છે.

સુષમા સ્વરાજ યૂએન મહાસમિતિના સત્ર નિમિતે  એક અઠવાડિયું અમેરિકામાં રહેવાનાં છે. તેઓ ૨૩ સપ્ટેંબરે મહાસમિતિના સત્રમાં સંબોધન કરશે અને ૨૪મીએ ભારત આવવા રવાના થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.