વેપારીના પૂર્વ કર્મચારીએ પોપટપરાના લુખ્ખાઓને ટ્રીપ આપી 20 દિવસ પહેલાં લૂંટનો પ્લાન બનાવી અંજામ આપ્યાની કબુલાત
ક્રાઇમ બ્રાન્ચને સીસીટીવી ફુટેજ અને લૂંટમાં જાણભેદુની સંડોવણી શંકા સાથે કરેલી તપાસમાં મહત્વની સફળતા મળી
શહેરના કાલાવડ રોડ પર આવેલી ન્યુ સુર્યોદય સોસાયટીમાં ચારેક દિવસ પહેલાં કટલેરીના વેપારીને આંતરી રુા.2 લાખની રોકડ સાથેના એકિટવાની થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ ટાબરીયા સહિત નવ શખ્સોને પોપટપરામાંથી ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે રોકડ અને એક્ટિવા કબ્જે કરી અન્ય લૂંટમાં સંડોવાયા છે કેમ તે દિશામાં પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ન્યુ સુર્યોદય સોયાયટીમાં રહેતા અને સાંગણવા ચોકમાં રણછોડ સેલ્સ એજન્સી ધરાવતા જીતેન્દ્રભાઇ રણછોડભાઇ દુધાત્રા નામના કટલેરીના વેપારી ગત તા.25મીએ રાતે પોતાની દુકાનેથી ઘરે આવતા હતા ત્યારે અમીન માર્ગના ખૂણે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે આંખમાં મરચુ છાંટી રુા.2 લાખની રોકડ સાથે એક્ટિવાની લૂંટ ચલાવ્યા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસની અલગ અલગ ટીમ બનાવી જુદી જુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન જીતેન્દ્રભાઇ દુધાત્રાના એક્ટિવા પર બે શખ્સોના નાણાવટી ચોક પાસેથી સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. બીજી તરફ ક્રાઇણ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી બી.બી.બસીયાના માર્ગ દર્શન હેઠળ પીઆઇ વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. એમ.જે.હુણ, હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા અને દિપકભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકા સાથે રણછોડ સેલ્સ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથધરી હતી.
દરમિયાન રણછોડ સેલ્સ એજન્સીમાં અગાઉ નોકરી કરતા પોપટપરાના વિનોદ ધરમશી કોળી નામના શખ્સની સંડોવણી હોવાની બાતમીના આધારે અટકાયત કરી પૂછપરછ કરતા પોતે આર્થિક જરુરીયાતના કારણે જીતેન્દ્રભાઇ દુધાત્રા પાસે દરરોજ મોટી રકમ હોવાથી તેમને લૂંટી લેવાનો પ્લાન બનાવી લૂંટ ચલાવવા માટે 20 દિવસ પહેલાં પોપટપરાના લાલજી ઉર્ફે લાલો શામજી કોળી, દિવ્યેશ જીતેન્દ્ર કોળી, જયસુખ ભરત કોળી, આર્યન રફીક સેતા, અને જીવરાજ પાર્ક પાસે આવાસ યોજનામાં રહેતા મુસ્તાક ગફાર શાહમદાર નામના શખ્સો ઉપરાંત અન્ય ત્રણ સગીર વયના ટાબરીયાને પ્લાનમાં સામેલ કરી ગત તા.25મી માર્ચના રોજ લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રુા.1.97 લાખ રોકડા, ત્રણ બાઇક, છ મોબાઇલ મળી રુા.3.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રણછોડ સેલ્સ એજન્સીના પૂર્વ કર્મચારી વિનોદ ગેડાણીએ આર્થિક જરુરીયા પુરી કરવા માટે લાલજી વાવેસા, જયસુખ ઉધરેજા, અને એક તરુણ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. સાંગણવા ચોકથી ન્યુ સુર્યોદય સોસાયટી વચ્ચે અંતર વધુ હોવાથી લૂંટમાં વધુ શખ્સોની મદદ લીધી હોવાની કબુલાત આપી છે. છેલ્લા 20 દિવસ સુધી જીતેન્દ્રભાઇ દુધાત્રાની રેકી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જીતેન્દ3ભાઇ દુધાત્રા પોતાના ઘર પાસે પહોચે ત્યારે જ લૂંટ ચલાવવાનું નક્કી થયું હતું અને બાળ આરોપીએ તેમની આંખમાં મરચુ છાંટી ત્યારે લાલજી ઉર્ફે લાલા અને એક બાળ આરોપીએ રુા.2 લાખની રોકડ સાથે એક્ટિવાની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે.