૪૩.૭ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ પણ અગનભઠ્ઠીમાં ફેરવાયું: સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી કાળઝાળ ગરમી: હજી હીટવેવનું જોર વધે તેવી આગાહી
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લાં અઢી મહિનાથી સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રિતસર અગનવર્ષા કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં સુર્યપ્રકોપનાં કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. ગઈકાલે સોમવારે ૪૪ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. રાજકોટ પણ કાલે ૪૩.૭ ડિગ્રી તાપમાન સાથે રીતસર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું. આગામી દિવસોમાં હજી રાજયમાં ગરમીનું જોર વધે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે.
આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના છે. રવિવારે આકાશમાંથી અગનવર્ષા બાદ સોમવારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજય જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવા આકરા તડકાનો અનુભવ લોકોએ કર્યો હતો. સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
તો રાજયની આર્થિક રાજધાની અમદાવાદમાં પણ તાપમાનનો પારો સુરેન્દ્રનગરની લગોલગ ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજકોટમાં પણ કાલે મહતમ તાપમાન એક ડિગ્રી ઉંચકાયું હતું. રવિવારે શહેરનું તાપમાન ૪૨.૭ ડિગ્રી નોંધાયું હતું તો સોમવારે મહતમ તાપમાનનો પારો ૪૩.૭ ડિગ્રીએ પહોંચી ગયો હતો. સૌરાષ્ટ્રનાં અન્ય શહેરોનાં તાપમાન પર નજર કરવામાં આવે તો ભાવનગર ૩૮.૯ ડિગ્રી, દ્વારકા ૩૨.૯ ડિગ્રી, ઓખા ૩૩ ડિગ્રી, પોરબંદર ૩૪.૪ ડિગ્રી અને વેરાવળ ૩૩.૫ ડિગ્રી સેલ્શીયસ તાપમાન નોંધાયું હતું.
અમરેલીનું તાપમાન ગઈકાલે ૪૨ ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું. અમદાવાદ પણ કાલે ૪૪ ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીમાં શેકાયું હતું. આગામી દિવસોમાં હજી ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ જ શકયતા દેખાતી નથી. તાપમાનનો પારો હજી ઉંચકાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
છેલ્લાં અઢી માસથી રાજયમાં લાગલગાટ ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય લોકોને બપોરનાં સમયે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત હીટવેવનાં સનસ્ટ્રોકથી બચવા શકય તેટલું પાણી પીવા તથા ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ખાસ તકેદારી રાખવા પણ સુચન કરવામાં આવ્યું છે.