સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર: અમરેલી 43.5 ડિગ્રી, ભૂજ 43.2 ડિગ્રી અને જૂનાગઢ 43 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયા
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હિટવેવની આગાહી વચ્ચે બુધવારે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઇ ગયો છે. દરમિયાન આગામી શનિવાર સુધી સુર્યનારાયણ કાળઝાળ રહેશે અને તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઇ જાય તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.બુધવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રીએ પહોંચી ગયુ હતું.
ઝાલાવાડ ગઇકાલે જાણે અગન ગોળો બની ગયો હોય તેવી આકરી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 44.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 41.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.8 ડિગ્રી, સુરતનું તાપમાન 40.2 ડિગ્રી, કચ્છના ભૂજનું તાપમાન 43.2 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 39.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 40.4 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં અમરેલીનું તાપમાન 43.5 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 40.5 ડિગ્રી, રાજકોટનું તાપમાન 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રી, કેશોદનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી અને જૂનાગઢનું તાપમાન 43 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી શનિવાર સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે એટલું જ નહી હિટવેવનું જોર વધશે અમૂક શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ આંબી જશે.મે માસના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ચાલુ સાલ ઉનાળાની સિઝનનું સૌથી હાઇએસ્ટ તાપમાન નોંધાશે. 15મી મે આસપાસ પ્રિ-મોન્સૂન એક્ટિવીટીનો આરંભ થશે. જેના કારણે ગરમીનું જોર ઘટશે પરંતુ બફારો વધશે. ગુજરાતની જનતાને હજી 20 દિવસ સુધી ગરમીથી રાહત મળે તેવી સંભાવના નહિવત છે.
સિવીયર હિટવેવના પગલે લોકોને સનસ્ટ્રોકથી બચવા માટે કેટલીક માર્ગદર્શક જાહેર કરવામાં આવી છે. જેમાં બપોરના સમયે અગત્યના કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળવુ, સતત પાણી પીતુ રહેવું, કાળઝાળ ગરમીમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ વધારો નોંધાયો છે.બપોરના સુમારે તો રાજમાર્ગો સુમશાન થઇ જતા હોય છે. છેલ્લા બે માસથી કાળઝાળ ગરમી પડી રહી હોય જન જીવન ત્રાહિમામ પોકારી ગયું છે.
બધાના મોઢામાં એક જ શબ્દ ચાલી રહ્યો છે કે ‘હાય ગરમી…’ બપોરના સમયે તો જાણે અગન ગોળો પૃથ્વી પર આવી ગયો હોય તેમ ચામડી બળી જાય તેવી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા ડોકટરોની પણ સલાહ છે કે બપોરે 1 થી 4 દરમિયાન જરૂર પડયે બહાર નીકળવું અને ઠંડાપીણાનું સેવન કરતું રહેવું.