વર્લ્ડ કપ ફાઇનલમાં પરાજય પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વધુ એક શ્રેણી માટે પુરી રીતે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં વર્લ્ડ કપમાં સામેલ રહેલા મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અંતિમ બે ટી-20 મેચમાં ટીમ સાથે જોડાનારા શ્રેયસ ઐયર વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે.
શ્રેયસ એયર છેલ્લા 2 ટી20 માં રમશે : ઋતુરાજ ગાયકવાડ ઉપસુકાની તરીકે ઘોષિત
સૂર્યકુમાર યાદવ વન-ડે વર્લ્ડ કપમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. ઇશાન કિશન અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં તક મળી છે. બંને વનડે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતા. ઇશાન પ્રથમ બે મેચમાં રમ્યો હતો. સાથે જ હાર્દિક પંડ્યાના રિપ્લેસમેન્ટ તરીકે પ્રસિદ્ધને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.વન-ડે વર્લ્ડ કપ પહેલા જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયા 2-1થી જીતી ગઇ હતી. હવે ટી-20 શ્રેણી રમાશે. ટીમ ઇન્ડિયા પાસે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવાની શાનદાર તક હશે.
ભારતીય ટીમ 23 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી-20 મેચ રમશે. જ્યારે બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી-20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં રમાશે. જ્યારે શ્રેણીની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે તમામ મેચો સાંજે 7 વાગ્યાથી રમાશે.
ભારતીય ટીમની યાદી
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમાર.