રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના: દક્ષિણ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું
છેલ્લા દોઢ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવા કોઈ જ એંધાણ દેખાતા નથી. આગામી ૪૮ કલાક સુધી હજી સુર્યનારાયણ કાળઝાળ ગરમી આકાશમાંથી અગનવર્ષા કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ હજી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મહતમ તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના જણાઈ રહી છે.
હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાજકોટનું મહતમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. આજે પણ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના જણાઈ રહી છે. રાજયમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું હોય ૪૮ કલાક અગનવર્ષાની સંભાવના પણ નકારી શકાતી નથી.
આવતીકાલે પણ તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં ૪૦ ડિગ્રીને પાર રહેશે અને અમુક સ્થળોએ ૪૪ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ તેવી સંભાવના પણ જણાઈ રહી છે. છેલ્લા દોઢ માસથી માથુ ફાડી નાખતી ગરમીનો સામનો કરી રહેલી સૌરાષ્ટ્રની જનતાને ગરમીમાં જુન માસ સુધી રાહત મળે તેવી કોઈ જ શકયતા દેખાતી નથી. એકાદ વરસાદ બાદ ગરમીથી રાહત મળશે.
હવામાન વિભાગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરવર્તીત થશે અને ત્યારબાદ વિસર્જન થઈ જશે. સારા ચોમાસા માટેની નિશાની મળી રહી છે. સામાન્ય રીતે જે વર્ષે ચોમાસું સારું રહેવાનું હોય તે વર્ષે એપ્રિલ કે મે માસમાં વાવાઝોડા સાથે અમુક રાજયોમાં વરસાદ પડતો હોય છે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું ટનાટન રહે તેવા સુખદ એંધાણ મળી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com