- રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું
Rajkot News : આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે.
રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયા માં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ16.5 મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધ્યું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે.
13 માર્ચ સુધી ગરમી રહેશે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે. ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકોને ઠંડી અને ગરમી બંન્નેનો અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત ભૂકંપના આંચકા
રાજ્યમાં એકબાજુ બેવડી ઋતુનો અનુભવ અને બીજીબાજુ ભૂકંપના આંચકાનું પ્રમાણ પણ યથાવત જોવા મળી રહ્યું છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 12:56 કલાકે વલસાડથી 32 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. બપોરે 1:54 કલાકે કચ્છના રાપરથી 8 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સાંજે 6:23 કલાકે જૂનાગઢના માંગરોળથી 27 કિમી દૂર 3.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 9:32 કલાકે કચ્છના ભચાઉથી 15 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 10:19 કલાકે કચ્છના દુધઈથી 19 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 5:41 કલાકે કચ્છના રાપરથી 12 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને છેલ્લે સવારે 7:31 કલાકે કચ્છના દુધઇથી 12 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું