વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન તેઓના પરમ ભકત પૂજય ગુરુદેવશ્રી રાકેશભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંધિત કરીએ, જયોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથા.
શ્રીમદ્ના અવધાનપ્રયોગોની ઐતિહાસિક હકિકત શ્રીમદ્ના સમકાલીન અને તે વખતના સહવાસી શ્રી વનેચંદ પોપટભાઈ દફતરીએ ‘સાક્ષાત્ સરસ્વતી’ નામની પુસ્તિકામાં પૂર્ણ ભાવોલ્લાસમાં લખી હતી. સન્ ૧૮૯૩ના સપ્ટેમ્બર માસમાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મપરિષદમાં જૈનો તરફથી શ્રી આત્મારામજી મહારાજ (શ્રી વિજયાનંદસૂરિજી)ની પ્રેરણાથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા. શિકાગો શહેરમાં આપેલ અન્ય એક વ્યાખ્યાનમાં તેમણે હિંદમાં પૂર્વે અસાધારણ શકિતઓના ધારક પુરુષો ઉત્પન્ન થતા હતા તે બતાવી કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનું ઉદાહરણ આપ્યું હતું અને હાલના સમયમાં પણ જૈનો તેવા પ્રકારની શકિતઓ ધરાવનારા પુરુષો ઉત્પન્ન કરવાનો ગર્વ લઈ શકે છે એમ બતાવવા માટે શ્રીમદ્ની અસાધારણ શકિતઓનું વિવેચન કરી બતાવ્યું હતું. શ્રીમદ્ની અજાયબ શકિતથી પ્રભાવિત થઈને મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સર ચાર્લ્સ સારજંટે તો તેમને યુરોપ જઈ પોતાની શકિતઓ બતાવવા આમંત્રણ આપ્યું, પરંતુ યુરોપમાં પોતે જૈન ધર્મ અનુસાર નહીં રહી શકે એમ વિચારી તેમણે તે વિનયપૂર્વક નકાર્યું. એક અંગ્રેજી દૈનિક પત્રે તો એટલે સુધી જણાવ્યું કે આવી અદ્ભુત શકિતના ધારક ઈંગ્લેન્ડ આદિમાં હાેય તો પૂજાય. પરંતુ શ્રીમદ્ની વૃત્તિ અંતર્મુખ થવા પ્રત્યે હોવાથી યુરોપ જવા માટે તેમણે રુચિ દર્શાવી નહીં. આ તેમનું દેશ-વિદેશની ખ્યાતિ માટેનું મોહરહિતપણું બતાવે છે. યુવાન વય હોવા છતાં આંગણે આવેલી કીર્તિ કે માન આદિનાં આવા પ્રલોભનોમાં તેમનું ચિત્ત જરા પણ પડયું નહીં.
યુરોપ જઈ શતાવધાનના પ્રયોગો કરવાની વાત તો બાજુ ઉપર રહી, તેમણે ભારતમાં પણ આવા પ્રયોગો હવે પછી ન કરવાનો મકકમ નિર્ધાર કરી લીધો. તેમણે ધાયુર્ં હોત તો તેઓ આ શકિતથી ખૂબ યશ અને ધન કમાઈ શકયા હોત, પણ ખ્યાતિ કે લક્ષ્મીદેવીની ઉપાસના એ તેમનું ધ્યેય ન હતું. તેમને તો આત્મવિકાસનો લક્ષ હતો. આત્મા અનંત શકિતનો ધણી છે, શતાવધાનાદિ તો એ શકિતના નમૂના‚પ એક અંશ છે. જો માનમાં આવી જવાય તો ધર્મ હારી જવા જેવું છે. આમ, અવધાનપ્રયોગો આત્મોન્નતિમાં બાધક‚પ લાગતા તેમણે તે ત્યાજય ગણી, આત્મસાક્ષાત્કાર માટેના પુરુષાર્થમાં પોતાનું વીર્ય ફોરવ્યું. અવધાનશકિતનો ઉપયોગ અને તેથી મળતી પ્રશંસા આત્મસાધનામાં અંતરાય‚પ જણાતા તેમણે તે સમય તથા શકિતનો વ્યય અટકાવ્યો અને આત્માની ઉજ્જવળ શકિતઓ પ્રગટાવવા પ્રત્યે લક્ષ જોડયું. લોકપ્રસંગથી ઉદ્ભવેલી પ્રખ્યાતિ કવચિત્ આત્માને પતનનું કારણ થઈ પડે અથવા તેમાં આત્માર્થ ચૂકી જવાય, આત્માર્થમાં જે સમય ગાળવો જોઈએ તે આવા બાહ્ય પ્રયોગોમાં ખર્ચાઈ જાય તે પાલવે નહીં ઈત્યાદિ વિચારણાથી લૌકિક પ્રસિદ્ધિ અને લોકસમુદાયનો સંપર્ક ઓછો કરીને તેમણે અલૌકિક આત્મહિતની પ્રવૃતિમાં પ્રવર્તવાનું ઈષ્ટ ગણ્યું. તદનુસારનિર્ણય લઈ તેઓ જાહેર પ્રવૃતિઓમાંથી એકાએક અળગા થઈ ગયા. જયારે તેઓ કીર્તિની ટોચ ઉપર પહોંચ્યા હતા ત્યારે જ તેમણે જગતને આજી દેનારા જગત-પ્રદર્શનોનો તૃણવત્ ત્યાગ કરી દીધો.
લોકો પ્રસિદ્ધિની પાછળ દોડે છે, જયારે શ્રીમદ્ પ્રસિદ્ધિથી દૂર રહી, લોકેષણાને ઠોકર મારી, લોકપંકિતના વમળમાંથી બહાર નીકળ્યા જે તેમની અલૌકિક મહત્તા પ્રકાશે છે. શ્રીમદે શતાવધાનાદિના અદભુત પ્રયોગો કરી દેખાડયા તેમાં તેમની મહત્તા તો છે જ, પણ તે પ્રયોગોના પરિત્યાગમાં તેમની વિશેષ મહત્તા છે. આ પ્રકારે આત્મોન્નતિ અને અવધાનપ્રવૃત્તિનો વિસ્તાર એ બન્ને પરસ્પર ભિન્ન ભાસવાથી, અવધાન પરમાર્થમાર્ગમાં વિધ્ન‚પ પ્રતીત થવાથી, શ્રીમદ્ની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન, સત્સુખશોધક ભાવના, સાચી સમજ અને નિર્મળ મનોવૃતિએ અવધાનપ્રવૃતિને વિસ્તરવા ન દેતા વિરામ પમાડી હતી કે જે વીસ વર્ષની વય પછી પ્રાય: પ્રગટ થઈ ન હતી. સામાન્ય માણસ જયારે ધન અને કીર્તિ મેળવવા માટે વલખા મારતો હોય છે, ત્યારે શ્રીમદે વીસ વર્ષની યુવાન વયમાં જ તેને ત્યાજય ગણી આત્મદશાનું એક ઉંચુ શિખર સર કર્યું હતું. પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે –
‘શ્રીમદ્ની અસાધારણ સ્મૃતિનો પુરાવો તો તેમની અજબ અવધાનશકિત જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તો એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમના અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્વની વિશેષતા તો એ હતી કે, તેમની અવધાનશકિત બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી. ઉલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે, એટલી અદ્ભુત અવધાનશકિત, કે જેના દ્વારા હજારો અને લાખો લોકોને ક્ષણમાત્રમાં આજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતા તેમણે તેનો પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજય ગણી, તેનો ઉપયોગ અંતમુર્ખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કોઈ સાધારણ માણસથી થવુ શકય નથી’