સૌ પ્રથમ ૫૫૧૮ હેલ્થ વર્કરને કોરોના રસી
કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોની સર્વેની કામગીરી થઇ રહી છે. તા.૧૪ ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં ૨,૫૬,૧૩૨ લોકોને જેમની વય ૫૦ વર્ષથી વધુ છે તેમના સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
કોવીડ-૧૯ રસીના સ્ટોરેજ અને કોલ્ડ ચેઇન જાળવણી માટે જિલ્લા તેમજ તાલુકા સ્તરે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રસીકરણ માટે ૪૨૮ સુપરવાઇઝર રહેશે. ૫૪ સ્થળોએ સ્ટોરેજ વ્યવસ્થા કરાશે તેમજ જિલ્લામાં ૭૬૩ સ્થળો વેકસીનેશન માટે નિયત કરાયા છે. ઉપરાંત રસીકરણ સાથે સંકળાયેલા તમામ લોકોને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્કફોર્સની મળેલ બેઠકમાં આરોગ્ય સત્તાવાળાઓના જણાવ્યા મુજબ સર્વેની બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે. ઉપરાંત સીધા દર્દીઓ સાથે સંકળાયેલ હેલ્થ વર્કર, તબીબ કે જેમની સંખ્યા ૫૫૧૮ છે, તેમના ડેટા આવી ગયેલ છે અને સરકારની સુચના મુજબ સૌપ્રથમ તેમને રસી અપાશે. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, આરસીએચઆર ડો. ભાયા, ડો. ચંદ્રેશ વ્યાસ, ડો. રવિ ડેડાણીયા, જિલ્લા પુરવઠા અધિકારી ગોવાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારીયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.