ખેડૂતો, અસરગ્રસ્તો, માછીમારોને વળતર ચુકવવા ખાસ રાહત પેકેજ આપવા માંગ
સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને વાધેર અગ્રણીની મુખ્યમંત્રીને રજૂઆત
અતિવૃષ્ટિ અને ડેમના દરવાજા ખોલવાથી થયેલી તારાજી અંગે તાત્કાલિક સર્વે કરવા અને ખેડુતો, અસરગ્રસ્તોને અને માછીમારોને પણ અસર થઈ હોય તેઓને પણ વળતર ચુકવવા માટે ખાસ રાહત પેકેજ આપવા સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ તથા વાધેર સમાજના અગ્રણી વકીલ હારૂનભાઈ પલેજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના કારણે ભારે નુક્સાન થયું છે. આ વર્ષેે ચોમાસાના પ્રારંભમાં જ સામાનય કરતા વધુ ભારે વરસાદ પડતા ડેમો ઓવરફ્લો થયા છે અને તેના પાણી નિચાણવાળા વિસ્તારોમાં, ખેતરોમાં ફરી વળ્યા છે, જમીનોનું ધોવાણ થયું છે તથા ખેડૂતોના પાકને પણ નુક્સાન થયું છે. આ ઉપરાંત બન્ને જિલ્લાના તાલુકાઓમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને નુક્સાન થયું છે તેમજ દુકાનોમાં પાણી ભરાય જતા વેપારીઓને પણ મોટું નુક્સાન થયું છે. માલધારીઓ-પશુપાલકોના પશુધનનું નુક્સાન થયું છે અને ક્યાંક જાનહાની પણ થઈ છે. આમ અતિવૃષ્ટિના કારણે સમગ્રપણે જે જે વર્ગને નુક્સાન થયું છે તેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરીને સંસદસભ્ય પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમક્ષ તમામ બાબતોનો નુક્સાનીના સર્વેનું કામ હાથ ધરી યુદ્ધના ધોરણે સરકાર તરફથી રાહત-સહાય ચૂકવવા રજૂઆત કરી છે અને હાલારના બન્ને જિલ્લાઓ માટે ખાસ રાહત પેકેજ ફાળવવા પણ તેમણે માંગણી કરી છે.
જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ તથા જોડિયા તાલુકાના ગામડાઓમાં ઊંડ-૧ અને ઊંડ-ર ડેમમાંથી ભારે વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવાથી ખેડૂતો, માલધારીઓ તથા ગ્રામજનોને પારાવાર નુક્સાન થયું હોય, તાકીદે સર્વે કરાવી સહાય/વળતર ચૂકવવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે કાલાવડ તાલુકામાં અતિ વરસાદ પડવાથી ઊંડ-૧ ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવાના કારણે ઊંડ નદીના કાંઠે આવેલ જામનગર તાલુકાના ગામો તમાચણ, રવાણી ખીજડિયા, ધ્રાંગડા, ખંભાલીડા મોટા વાસ, ખંભાલીડા નાનો વાસ, ધ્રોળ તાલુકના માનસર જાલિયા, રોજિયા હમાપર, વાંકિયા, સોયલ, માવાપર, મજોઠ, નથુવડલા તેમજ ઊંડ-ર માંથી પાણી છોડવાના કારણે જોડિયા તાલુકાના મજોઠ, ભાદરા, આણંદા, કુન્નડ, બાદનપર અને જોડિયા ગામોમાં ખેડૂતોની હજારો વિઘા જમીન ધોવાય ગઈ છે. નદીના કાંઠે આવેલા ખેતરોની જમીન વીસ-વીસ ફૂટ ઊંડી અને પચાસથી સો ફૂટ સુધી ધોવાય ગઈ છે તેમજ કાંઠાળ વિસ્તારના આજુબાજુના ખેતરોના પાક ધોવાય ગયો છે. નદીના કાંઠા ઉપર આવેલ ખેડૂતોના કૂવા તથા ઓરિયા ધોવાય ગયા છે. સબમર્સિબલ મોટરો, પાઈપલાઈનો, ખેતીને લગત ખેડૂતોની સાધનસામગ્રીઓ તણાય ગઈ છે. ખેડૂતોના પશુઓ પણ તણાય ગયા છે. ભાદરા, આણંદા, કુન્નડ, બાદનપર, જોડિયા ગામોમાં પાણી ઘૂસી જવાથી ખેડૂત ભાઈઓની તેમજ ગ્રામજનોની ઘરવખરી અને અનાજને સંપૂર્ણ નુક્સાન થયું છે. ખેડૂતોએ વાડીઓના ગોડાઉનમાં તથા ઘરમાં રાખેલ ખેતીની જણસી પાણીના પૂરના કારણે બગડી ગઈ છે તેમજ ઊંડ-ર ડેમના દરવાજા ખોલવાની બેદરકારીના કારણે માનવસર્જિત આફત માટે જવાબદાર અધિકારી/કર્મચારી સામે તપાસ કરીને યોગ્ય પગલાં લેવા તેમજ ખેડૂતો તથા માલધારીઓને થયેલ નુક્સાનીનું તાત્કાલિક સર્વે કરીને તે અંગેનું વળતર પેટે પેકેજ તાત્કાલિક જાહેર કરીને વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો પોતાની જમીન સમતલ કરી શકે અને નવો પાક વાવી શકે તેમ રાઠોડે જણાવ્યું છે.
માછીમારોને અતિવૃષ્ટિથી નુકસાનની સહાય ચૂકવો
જામનગરના ઓલ ઈન્ડિયા સુન્ની-મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ વકીલ હારૂનભાઈ પલેજાએ રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તથા માછીમારોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાન પેટે સહાય ચૂકવવા રજુઆત કરી છે. દરિયા કાંઠાના વિસ્તારો તેમજ શહેરના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. જેથી ઘરવખરીને નુકસાન થયું છે. કાચા મકાનો પડી ગયા છે. માછીમારોની બોટોમાં પાણી ભરાઈ જવાથી માછીમારોને મોટું આર્થિક નુકસાન થયું છે. જામનગર તાલુકાના સિક્કા, બેડી, સચાણા, રસુલનગર, બેડ, જોડિયા, બાલચાડી તેમજ આજુબાજુના ગામો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર તથા ખંભાળીયા તાલુકાના સલાયા, વાડીનાર, ભરાણા, ચુડેશ્વરના ઘણા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોની માલ-મિલકતને નુકસાન થયું છે. તે વિસ્તારની ખેતીની જમીનોને નુકસાન થયું છે અને માછીમારીને જે નુકસાન થયું છે તે અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગણી કરવામાં આવી છે.