હજુ ત્રણ દિવસ સર્વે ચાલશે સહકાર આપવા કલેકટરની અપીલ
કોરોના મહામારી સામે લડવા હવે રસીકરણ નામક હથિયાર થોડા જ સમયમાં આવવાની આશા છે, ત્યારે જામનગર જિલ્લામાં રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી પ્રથમ તબક્કામાં જ વિનામૂલ્યે રસી આપવામાં આવશે. આ માટેના સર્વેનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર જિલ્લામાં હજુ ત્રણ દિવસ આ સર્વે કરવામાં આવશે. આમ કુલ ચાર દિવસ બાદ રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના તેમજ ૫૦ વર્ષની અંદરના વયજૂથના કોઈ અતિ ગંભીર બીમારી ધરાવતા જેમ કે કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, થેલેસેમિયા, એઇડસ વગેરે ધરાવતા લોકોને પણ આ રસીકરણ ઝુંબેશમાં સાંકળી લેવા માટે સર્વે દ્વારા યાદીમાં ઉમેરવામાં આવશે.
શરૂ થયેલી આ ઝુંબેશમાં વિવિધ વિસ્તારોમાં બી.એલ.ઓ અને આશા વર્કર બહેનોની ટીમ યાદી તૈયાર કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ સમયે જામનગરના વડીલો પણ સરકારના આ પગલાથી અત્યંત ખુશ છે. સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ વર્ષથી ઉપરના અને ગંભીર બીમારી ધરાવતા પચાસ વર્ષથી નીચેના લોકોને રસીકરણ ઝુંબેશમાં સામેલ કરવામાં આવ્યા છે.ત્યારે જામનગરના વિવેકાનંદ સોસાયટીના ૭૨ વર્ષીય વૃદ્ધ લાલજીભાઈ ચુડાસમા કહે છે કે,કોરોનાની મહામારીમાં હું પોતે પણ સંક્રમિત થયો હતો અને ૧૮ દિવસ સુધી મેં જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી છે. આ બીમારીની ગંભીરતા હું ખૂબ સારી રીતે સમજું છું. આ તકલીફમાંથી પસાર થયા બાદ આજે હવે જ્યારે સરકાર અમને પ્રારંભિક તબક્કામાં જ રસીકરણ માટે પસંદ કરવા જઈ રહી છે ત્યારે સરકારના આ સંવેદનશીલ પગલાંને હું આવકારું છું.
આ રસીકરણ ઝુંબેશમાં નામ નોંધાવવા માટેના સર્વેની કમગીરી હજુ ત્રણ દિવસ કરવામાં આવશે ત્યારે કલેકટર રવિશંકર દ્વારા પણ લોકોને પોતાનું ઓળખકાર્ડ, મોબાઈલ નંબર જેવી આવશ્યક વસ્તુઓ સાથે રાખી ઘરે આવનાર સર્વેયરને સહકાર આપવા માટે જામનગરવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં લોકો સંયમપૂર્વક વર્તી બીજાને પણ સાવધાન કરી તકેદારીના પગલાં લેશે.
તો આ બીજા ચરણમાં પણ સંક્રમણને ખાળી શકાશે અને સંક્રમણ વધતા અટકાવી પણ શકાશે. આ સાથે જ કલેકટરે લોકોને માસ્ક વગર ન નીકળવા અને અન્ય પણ માસ્ક વગર નિકળતા જોવા મળે તો તેમને સમજૂત કરવા વિનંતી કરી હતી.