તમામ શાળા અને આંગણવાડીના જર્જરીત બાંધકામો તાત્કાલીક અસરથી દૂર કરવા મ્યુનિ.કમિશનર આનંદ પટેલનો આદેશ
જામનગરની સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની જર્જરીત બિલ્ડીંગનો હિસ્સો ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા બાદ રાજકોટમાં આવી કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશન તંત્ર એલર્ટ થઇ ગયું છે. શહેરના મુખ્ય 48 સહિત 79 રાજમાર્ગો કે જ્યાં સતત વાહન ચાલકો અને લોકોની અવર-જવર રહે છે ત્યારે જોખમી બિલ્ડીંગોનો સર્વે કરવા માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્રણેય ઝોન કચેરીની બાંધકામ શાખા દ્વારા આજથી પૂરજોશમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામને નોટિસ ફટકારવામાં આવશે. જરૂર પડશે તો જોખમી બાંધકામ પણ જમીનદોસ્ત કરી દેવામાં આવશે.
આ અંગે પત્રકારોની સાથેની વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશનની બાંધકામ શાખા દ્વારા વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે જોખમી અને જર્જરીત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવે છે. દરમિયાન જામનગરમાં ગત સપ્તાહે જર્જરીત બિલ્ડીંગ તોડી પડાયાની ઘટના બાદ રાજકોટમાં આવી અનિચ્છનીય દુર્ઘટના ન બને તે માટે કોર્પોરેશન તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરોને શહેરના મુખ્ય 48 સહિત કુલ 79 એવા રોડ કે જ્યાં સતત વાહનો અને માણસોની અવર-જવર રહે છે ત્યાં જોખમી કે જર્જરીત બિલ્ડીંગોનો સર્વે શરૂ કરવા અને નોટિસ ફટકારવા માટે તાકીદ કરવામાં આવી છે. કારણ કે રોડ પરના જોખમી બાંધકામથી હજ્જરો નિર્દોષ નાગરિકો પર પણ સતત જોખમી જંળુબી રહે છે.
શેરી-ગલ્લીઓના જોખમી બિલ્ડીંગો માત્ર ત્યાં વસવાટ કરતા લોકો માટે જોખમી છે. જ્યારે રોડ પરના જોખમી કે જર્જરીત બિલ્ડીંગો ત્યાંથી પસાર થતા તમામ લોકો અને વાહન ચાલકો માટે જોખમકારક છે. આજથી જ ત્રણેય ઝોન કચેરીમાં 79 રોડ પરના જોખમી બિલ્ડીંગો અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. તમામ જોખમી બાંધકામોને સલામત સ્ટેજે લઇ જવા અથવા આવું બાંધકામ દૂર કરવા માટે કડક તાકીદ કરવામાં આવી રહી છે. જો મિલકતધારક જોખમી બાંધકામ નહિં હટાવે તો કોર્પોરેશન દ્વારા આવા પ્રકારના બાંધકામો દૂર કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શાળા કે આંગણવાડીના જોખમી મકાનો અંગે પણ તાત્કાલીક અસરથી સર્વે હાથ ધરવા તાકીદ કરવામાં આવી છે. જોખમી બિલ્ડીંગોમાં વિદ્યાર્થીઓ કે બાળકોને ન બેસાડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આગામી બજેટમાં શાળા કે આંગણવાડીના એવા બિલ્ડીંગ કે જે ખરેખર જોખમી બની ગયા છે.તેના રિનોવેશન માટે ખાસ જોગવાઇ કરવામાં આવશે.