પ્રથમ તબક્કામાં 592 ગામડાઓને આવરી લેવાશે, ત્યારબાદ રાજકોટ મહાપાલિકા અને 6 નગરપાલિકામાં સર્વે શરૂ થશે : 15 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી 95 ટિમો દ્વારા નવી જંત્રી માટે સર્વે શરૂ કરાયો છે. પ્રથમ તબક્કામાં 592 ગામડાઓને આવરી લેવાવામાં આવનાર છે. ત્યારબાદ રાજકોટ મહાપાલિકા અને 6 નગરપાલિકામાં સર્વે શરૂ થશે. આ તમામ કામગીરી 15 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
અગાઉ સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સૂચના આપવામાં આવી હતી કે જિલ્લા કક્ષાએ જંત્રી રિવિઝનની કામગીરી કરવામાં આવે. આ કામ માટે જિલ્લા તાલુકા-વિસ્તાર માટે વર્ગ ૧ના અધિકારીની લાયઝન તરીકે નિયુકિત કરવા પણ સૂચના અપાઈ હતી. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંકની નિમણુંક કરવામાં આવી છે. આજથી જંત્રી સર્વેની કામગીરી તેમના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે.
અગાઉ નકશા પર વેલ્યુઝોન બનાવવાની કામગીરી કર્યા બાદ આજથી સર્વેની કામગીરી માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં સર્વે ના ડેટા એન્ટ્રીનું વેરિફિકેશન સ્ટેમ્પ ડયુટીનુ મૂલ્યાંકન તંત્રના નાયબ કલેકટર કક્ષાની અધ્યક્ષતામાં સંબંધિત સબ રજીસ્ટાર તેમજ નોંધણી નિરીક્ષણ દ્રારા તેમના કાર્યક્ષેત્ર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવનાર છે.જેમાં અનુભવી સ્ટાફને લેવાયો કે જેથી સર્વેનું કાર્ય ઝડપથી પૂર્ણ થઇ શકે અને તેના આધારે વિસંગતતા દૂર કરી પગલાં લેવામાં આવશે.
સર્વેમાં પ્રત્યેક ગામના સર્વે નંબર તેમજ શહેરી વિસ્તારના છેડાને આવરી લેવામાં આવશે.ગ્રામ્ય વિસ્તાર માટેની ટીમ.મા નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, તલાટી કે કલાર્ક પૈકી કોઇપણ એક કર્મચારી અને બીજા સભ્ય તરીકે માર્ગ-મકાન, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના કર્મચારી પૈકી એક ટેકનિકલ કર્મચારીનો સમાવેશ થયો છે. શહેરી વિસ્તાર માટેની ટીમ સબંધિત કોર્પોરેશન, ઓથોરિટી કે નગર આયોજનના કર્મચારી પૈકી કોઇ એક ટેકનિકલ કર્મચારી અને બીજો સભ્ય તરીકે માર્ગ-મકાન, જિલ્લા પંચાયતનો સ્ટાફ, નાયબ મામલતદાર કે તલાટી પૈકી કોઇ એક કર્મચારી ને સમાવેશ કરાયો છે.
હાલ રાજકોટ જિલ્લામાં 592 ગામડાઓમાં જંત્રી સર્વેની કામગીરી 95 ટિમો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 300 જેટલો સ્ટાફ રોકાયો છે. ત્યારબાદ રાજકોટ મહાપાલિકા અને 6 નગરપાલિકામાં સર્વે શરૂ થશે. 15 જૂન સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાનો જિલ્લા તંત્ર દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગાંધીનગરથી તમામ જિલ્લાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનાઓ મળી હતી. જે પ્રમાણે સ્ટાફને સર્વે અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત ટિમો રચી આ ટીમ ગામેગામ સર્વે કરી રિપોર્ટ્સ સબમીટ કરશે.