રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભાવ વધારાનાં વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિતનાં નેતાઓ, પ્રદેશ અગ્રણીઓ, કાર્યકરો, કોર્પોરેટરો સાયકલ લઈને નિકળ્યા હતા જેમાં સાયકલની આગળ એવા પણ બોર્ડ લગાવેલા જોવા મળ્યા હતા કે, ભાજપ તારા શાસનમાં સારા દિવસો આવ્યા.
વોર્ડ વાઈઝ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-બેરલનાં ભાવમાં ઘટાડો નોંધાયો છે તથા ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં કરવામાં આવેલા ભાવવધારાનાં વિરોધમાં આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનાં આદેશ મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ વાઈઝ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. નગરસેવકો અને કોંગી અગ્રણીઓ ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવે તેવી માંગણી સાથે રોડ પર બેસી ગયા હતા.
ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત સહિતનાં સાઈકલ લઈને નિકળ્યા હતા આ દરમિયાન પોલીસ સાથે થોડુ ઘર્ષણ થયું હતું. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા કાઢનાર કોંગ્રેસના અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.