કોઈપણ પ્રકારની આગોતરી જાણ વિના અચાનક જ સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મુલાકાત લઈ શાળાની સ્વચ્છતા-શિસ્તતા વખાણતા મ્યુ.કમિશનર
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર શાળાની શહેરનાં નવનિયુક્ત મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે સપ્રાઈઝ વિઝીટ લીધી હતી. રાજકોટ મનપા કમિશ્નરે કોઈપણ પ્રકારની આગોતરી જાણ વિના અચાનક જ સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મુલાકાત લઈ શાળાની સ્વચ્છતા-શિસ્તતા ચકાસી શાળાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની અને શાળા સાથે સંકળાયેલા ટ્રસ્ટીશ્રીઓ, પ્રધાનચાર્ય, આચાર્ય દ્વારા દાખવવામાં આવેલી સ્વચ્છતા અને શિસ્તતાને બિરદાવી હતી.
સરસ્વતી વિદ્યામંદિર સંકુલની સપ્રાઈઝ વિઝીટ દરમિયાન ઉદિત અગ્રવાલે શાળાનાં સૌ વિદ્યાર્થીઓ અને આચાર્યગણને એકઠા કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી બચવાનાં તેમજ ફેલાતા અટકાવવાનાં ઉપાયો વિશે સમજ આપી હતી. આ તકે રાજકોટ મનપા કમિશ્નર સાથે રાજકોટ મનપાનાં ડોક્ટર રિદ્ધિબેન વિરાણી અને તેમની ટીમ દ્વારા ડેન્ગ્યુનાં લક્ષણો, ડેન્ગ્યુની ઉત્પતિનાં કારણો, ડેન્ગ્યુથી બચવાના અને નિવારવાના ઉપાયો અંગે ઓડિયો-વીડિયો ક્લિપ સાથે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તેમજ સરકારશ્રીની હેલ્પલાઈન નંબર ૧૦૪ દ્વારા કઈ રીતે ઘર બેઠા મદદ મેળવી શકાય છે એ અંગે જણાવવામાં આવ્યું હતું.
સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે શહેર મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની સ્કૂલ સપ્રાઈઝ વિઝીટને વધાવી હતી અને શાળાનાં ટ્રસ્ટી, પ્રધાનચાર્ય, આચાર્ય, વિદ્યાર્થી, વાલીઓ અગાઉથી જ ડેન્ગ્યુ અંગે સાવચેત હોય હવે વધુમાં વધુ ડેન્ગ્યુ અંગે સાવચેત બની તેને અટકાવવા-નિવારવા સંકલ્પબદ્ધ બનશે તેમ જણાવ્યું હતું.