કલેક્ટરે મહેસુલ કચેરીમાં ફાઇલોની ચકાસણી કરી: ગ્રામ્ય વિસ્તારના પડત્તર પ્રશ્નોની ચર્ચા કરાઇ: અમરાપુર ગામે પી.એસ.સી. સેન્ટરમાં તાત્કાલીક નળ કનેક્શન આપવા આદેશ આપ્યા
જસદણ અને વિંછીયા શહેર અને પંથકના પડતર પ્રશ્ર્નો જાણવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા અચાનક ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ-વિંછીયાની સરકારી હોસ્પિટલ, તાલુકા સેવા સદન કચેરીમાં ચેકીંગ, વિંછીયા તાલુકાના તમામ ગામના સરપંચો-તલાટી મંત્રીઓ સાથે મિટિંગ અને વિંછીયાની પાણીની સમસ્યા અંગે તપાસ કરવામાં આવી હતી.
રાજકોટના કલેકટર પ્રભવ જોષીએ પ્રથમ વિંછીયાની સરકારી હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેના કારણે સરકારી હોસ્પિટલના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જે દરમિયાન રાજકોટ કલેકટર પ્રભવ જોષીને વિંછીયાની સરકારી હોસ્પિટલની કામગીરી અંગે શંકાઓ ઉપજતા તેમણે પોતેજ પોતાના પગનો એક્સરે લેવડાવ્યો હતો અને ત્યારબાદ તમામ વિભાગમાં ચેકીંગ હાથ ધર્યું હતું. સાથોસાથ સરકારી હોસ્પિટલમાં રહેલા સાધનોનો ઉપયોગ ચાલુ છે કે બંધ છે તે તમામ બાબતે રૂબરૂ તપાસ કરી હતી.
આ તકે વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઈ કેરાળીયાએ કલેકટરને લેખિત પત્ર દ્વારા સરકારી હોસ્પિટલને લગતા પ્રશ્ન બાબતે રજૂઆત કરી હતી. જેમાં વિંછીયાના અમરાપુર ગામે આવેલ પી.એસ.સી. સેન્ટરમાં ડાયાલીસીસના સાધનો ધૂળ ખાય રહ્યા છે અને પી.એસ.સી સેન્ટરમાં ડાયાલીસીસની સેવા શરૂ જ કરવામાં આવી નથી તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી રાજકોટ કલેકટરે તેનું કારણ જાણતા તે સેન્ટરમાં પાણીનું કનેકશન નહિ હોવાના કારણે હોસ્પિટલમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રાજકોટ કલેકટર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીને તાત્કાલિક બોલાવીને તત્કાલ ત્યાં કનેશન આપવાનો આદેશ આપ્યો હતો.
કલેક્ટરે અરજદારોને એટીવીટી કેન્દ્રો પર કઈ રીતની સવલતો મળે છે અને નિયમ મુજબ કામગીરી થાય છે કે નહી તે સિવાય મહેસુલ કચેરીઓમાં ઓચિંતી ફાઈલોની ચકાસણી કરી નિયમાનુસાર કાર્યવાહી થાય છે કે નહી તે રીતે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. સાથોસાથ વિંછીયાની સરકારી હોસ્પિટલની પણ ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ પૂરી પાડવા તેનું લીસ્ટ બનાવી તે સુવિધાઓ પૂરી પાડવાનો અમારો હેતુ છે. ગામના સરપંચો સાથે સંવાદ કેળવવા માટે આજે મીટીંગ પણ કરવામાં આવી હતી. વિંછીયાના ગામડાઓમાં એકંદરે પાણીની સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે અને માત્ર બે ગામોમાં જ ટેન્કર ચાલે છે. જેથી પાણી સમિતિની મીટીંગ બોલાવી કોઈપણ ગામમાં જરૂર જણાશે તો ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.
એક સાથે તમામ સરપંચો સાથે કલેક્ટરે પ્રથમ વખત મુલાકાત કરતા સરપંચોમાં ખુશાલી છવાઈ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ વિંછીયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તાલુકા સેવાસદન ખાતે મહેસુલ કચેરીઓમાં ઓચિંતી ફાઈલોની ચકાસણી કરી નિયમાનુસાર કાર્યવાહી થાય છે કે નહી તે રીતે ચેકિંગ કામગીરી કરી હતી. બાદમાં વિંછીયા તાલુકાના તલાટી મંત્રીઓ અને સરપંચો સાથે ગ્રામ્ય વિસ્તારના પડતર પ્રશ્ર્નો જાણવા માટે ખાસ તાકીદની મિટિંગ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, વિંછીયામાં પ્રથમ વખત જિલ્લા કલેકટર સાથે તમામ સરપંચોની મિટિંગ યોજાતા સરપંચોમાં ખુશાલી છવાઈ ગઈ હતી.