ગુલ સક્સેના, માધુરી ડે, આલોક કત્રાદે, રાજેશ અય્યર અને નાનુરામ ગુર્જર જૂના હિન્દી ગીતોની રમઝટ બોલાવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 લી મે “ગુજરાત રાજ્યના સ્થાપના દિન” ઉજવણી નિમિતે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે બોલીવુડ સિંગર પ્રસ્તુત “સુરિલી શામ” સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. જેમાં બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તથા રાજેશ ખન્નાની ફિલ્મોના સુપરહિટ ગીતો પ્રસ્તુત કરશે.
આ અગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વ, હોળી-ધૂળેટી પર્વ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસની સાથોસાથ દર વર્ષે 1 લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવે છે.એ જ રીતે આગામી 1 લી મે “ગુજરાત રાજ્યના સ્થાપના દિન” ઉજવણીના ભાગ રૂપે આગામી સોમવારના રોજ રાત્રે 08:30 કલાકે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ‘સુરિલી શામ’ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સિંગર ગુલ સક્સેના, માધુરી ડે, આલોક કત્રાદે, રાજેશ અય્યર, નાનુરામ ગુર્જર દ્વારા હિન્દી ગીતોની રમઝટ બોલાવશે. આ સંગીત સંધ્યામાં બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન તેમજ રાજેશ ખન્નાના સમયના જુના નવા હિન્દી ગીત રજુ કરવામાં આવશે.શહેરીજનોને “સુરીલી શામ” સંગીત સંધ્યાને માણવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.