ખ્યાતનામ સિંગરોએ એક થી એક ચડિયાતા ગીતો ગાઇ શહેરીજનોને મોજ કરાવી દીધી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિતે સોમવારે રેસકોર્સ ખાતે સુરીલી શામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારો ખિલ્યા હતા અને રાજકોટવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર વિશ્વમાંઆપણને ગુજરાતી હોવાનું ગૌરવ થાય તે મુજબનુ સર્વોતમ કક્ષાનું કામ કરી રહ્યા છે.રાજકોટ માટે વિશેષ આનંદની વાત એ છે કે, નરેન્દ્રભાઈ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને આજે તેઓ દેશના વડાપ્રધાન છે. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. સંસ્કૃતિ, કલા, સાહિત્ય, પ્રકૃતિ, ઉદ્યોગો, શિક્ષણ, વિજ્ઞાન, સંશોધન સહિતના તમામ ક્ષેત્રમાં ગુજરાત મોખરે છે.
પ્રધાનમંત્રી અને ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાત વિકાસની આગેકૂચ કરી રહ્યું છે. દેશમાં સૌથી વધારે ધંધા-રોજગારી આપતું રાજ્ય કોઈ હોય તો તે આપણું ગુજરાત છે. સુપ્રસિદ્ધ સિંગરો ગુલ સક્સેના, રાજેશ ઐય્યર, આલોક કત્રાદે, નાનુરામ ગુર્જર, માધુરી ડે દ્વારા બોલિવૂડના સુપ્રસિધ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન તેમજ રાજેશ ખન્નાની વિવિધ હિન્દી ફિલ્મોના યાદગાર, સુપરહિટ ગીતોની રમઝટ બોલાવી હતી. શહેરીજનો પણ મોડી રાત સુધી ઝૂમી ઉઠ્યા હતા.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ એ ઉપસ્થિત મહાનુભાવોનું હદયપૂર્વક શાબ્દિક સ્વાગત કરેલ. ડાયસ પરના મહાનુભાવો તથા અધિકારો દ્વારા કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. તેમજ સમાજ કલ્યાણ સમિતિના સભ્ય લીલુબેન જાદવ અને ડો. દર્શનાબેન પંડ્યાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. ડાયસ કાર્યક્રમ બાદ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા આભારવિધિ કરવામાં આવ્યું હતું.