મુળી, ચોટીલા, થાન, વઢવાણ સિટી તેમજ ખેતીવાડી વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું: રહેણાંક, કોર્મશીયલ અને ઇન્ડસ્ટ્રીઝ એકમો મળી કુલ 468 એકમોમાં ચેકીંગ હાથ ધરાયું
સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી, ચોટીલા, થાન અને વઢવાણ તાલુકામાં પીજીવીસીએલની વીજ ચેકીંગ ટીમોએ નાંખીને કડક વિજ ચેકીંગ હાથ ધરી પ0 વીજ જોડાણમાં ગેરરીતી જણાતા રૂ. 60 લાખથી વધુના બિલ ફટકાર્યા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગની વધુ વિગત એવી છે કે પીજીવીસીએલ ની વિવિધ ટીમો દ્વારા સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ ચેકીંગ ડ્રાઇવ યોજીને વિજચોરી ઝડપી લેવાનું સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ મુળી, ચોટીલા, થાન, વઢવાણ પેટા વિભાગીય કચેરી દ્વારા પણ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. પીજીવીસીએલની વિવિધ ટીમોએ રહેણાંકના 352 વિજ જોડાણ, વાણિજયના 46 વિજ જોડાણ, ઇન્ડસ્ટ્રીઝના 10 વિજ જોડાણ અને ખેતીવાડીના 60 વિજ જોડાણ મળી કુલ 468 જેટલા વિજ જોડાણ ચેક કર્યા હતા.
જેમાં રહેણાંકના 40 વિજ જોડાણમાં, વાણિજયનાં ર વિજ જોડાણમાં અને ખેતીવાડીનાં 6 વિજ જોડાણ મળીને પ0 જેટલા વિજ જોડાણોમાં ગેરરીતી જોવા મળી હતી.
ચેકીંગ ટીમોએ આ વિજચોરી સબબ આશરે રૂ. 60 લાખના વિજચોરીના બિલો ફટકાર્યા હતા. વિજ ટીમોના ચેકીંગ અભિયાનથી વિજચોરોમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે. આગામી દિવસોમાં પણ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
સાયલા ખાતે ઘર વપરાશ તેમજ ખેતીવાડીના 60 જેટલા કનેકશનનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા ડાયરેકટ વિજ કનેકશન લીધેલા માલુમ પડતા અઢી લાખ જેટલો દંડ આપવામાં આવ્યો હતો. તેમજ ગંગાનગર ખાતે ખેતી જોડાણમાં બે લાખ જેટલો દંડ આપવામાં આવ્યો હતો.
મુળી તાલુકાના કુંતલપુર ગામોમાં ર0 જેટલી ટીમો એસઆરપીના બંદોબસ્ત સાથે ચેકીંગ હાથ કર્યુ હતું. જેમાંથી 70 જેટલા સીમ વાડી વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી છ જેટલી જગ્યાએ પ્રાઇવેટ ટીસી માલુમ પડતા 17 લાખનો દંડ આપવામાં આવ્યો હતો તેમજ ગઢાદ ખાતે ચાલતા રેતીના વોશ પ્લાન્ટ પર ગેરકાયદેસર કનેકશન ઝડપાતા તેને 1પ લાખનો દંડ આપવામાં આવ્યો હતો. ત્યારે મુળી તાલુકામાં કુલ 3ર લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.