સરદાર પટેલની પ્રતિમા ગેરકાયદેસર હોવાના સુરેશ મહેેતાના નિવેદનને ભાજપે વખોડયું
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગઈકાલનાં રેશભાઈ મહેતાના સરદાર પટેલ પ્રતિમા ગેરકાયદેસર છે તેવા નિવેદની ગુજરાતની જનતામાં એક આઘાત અને ધિક્કારની લાગણી ઊભી થઈ છે. તેમના નિવેદનમાંથી ચાર પ્રકારનાં અર્થ નીકળે છે. (૧) સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ન બનવું જોઈએ. (૨) ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીની યશસ્વી વૈશ્વિક નેતૃત્વી તેઓ ઈર્ષ્યાથી પીડાઈ રહ્યાં છે. (૩) કોઈ મંચના ઓઠા હેઠે પાણીમાંથી પોરા કાઢીને વાદ-વિવાદ ઊભો કરવો અને ભલા ભોલા સમાજમાં ઝેર નાંખવાનો કુપ્રયાસ કરવો. (૪) તેઓ ગુજરાત વિરોધી લોકોના એજન્ડાનો હાથો બનવા માંગે છે.
પંડયાએ જણાવ્યું હતું કે, શ્રીસરદાર પટેલ દેશની એકતાનું પ્રતિબિંબ, પ્રતિક અને પ્રેરણાબળ છે. નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને માન-સન્માન અને ગૌરવ આપવા માટે જયારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ૧૮૨ મીટર બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું હોય ત્યારે દેશની અખંડિતતા અને એકતાના શિલ્પી સરદાર પટેલની પ્રતિભા અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સામે શ્રી સુરેશભાઈ મહેતાએ કાદવ ઊછાળવાની કૂચેષ્ટા કરી છે તે નિંદનીય છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.
જેવિરાટ પ્રતિભાએ ૫૬૨ રજવાડાને એક કરીને દેશને કાયદેસર રીતે અખંડ કર્યો તેની વિરાટ પ્રતિમા સામે ગેરકાયદેસરનો મુદ્દો ઉઠાવીને મહેતાએ સરદાર પટેલ, દેશની એકતા અને ગુજરાત ગૌરવ સામે એક નિમ્ન પ્રકારની વિકૃત માનસિકતા પ્રદર્શિત કરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આડકતરો વિરોધ સૌપ્રથમ રાહુલ ગાંધીએ કર્યો પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યો અને હવે ષડયંત્રના ભાગરૂપે સુરેશ મહેતા કરી રહ્યાં છે. તે ગુજરાતની જનતા જાણી ચુકી છે.
માત્ર જૂઠ્ઠા આક્ષેપો કે ટીકા કરવાવાળાને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારતી નથી. માત્ર જે લોકો કામ કરે છે. ગુજરાતના વિકાસ, ગૌરવ અને જનતાના ઉત્કર્ષ માટે કામ કરે છે, તેથી ભાજપ અને ભાજપના નેતૃત્વને સતત ૬ઠ્ઠીવાર વિધાનસભામાં ગુજરાતની જનતાએ સ્વીકાર્યું છે. એટલે જ નરેન્દ્રભાઈ મોદીને માત્ર ગુજરાત નહીં દેશને જનતાએ સ્વીકાર્યા છે તેમને વડાપ્રધાન બન્યાં પછી વિશ્વમાં આજે મજબુત અને પ્રભાવી નેતા તરીકે પણ સ્વીકૃત થયાં છે.
ત્યારે તેમની સામે માત્ર ચુંટણી સમયે ધુળ નાંખવા આવતાં નેતાને માંડવીમાં કોઈ યાદ કરતું નથી. મહેતાએ પોતાનું માનસિક સંતુલન ગુમાવીને સરદાર પટેલની પ્રતિભા-પ્રતિમાનો વિરોધ કરીને તેમણે દેશની એકતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના નેતૃત્વ અને ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.